રેણુકા ચૌધરીનાં હાસ્ય વિશે મોદીની ટકોર સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી – કોંગ્રેસનાં સંસદસભ્ય રેણુકા ચૌધરીએ બુધવારે રાજ્યસભામાં કરેલાં બેહુદાં અટ્ટહાસ્યની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટકોર સામે કોંગ્રેસ પાર્ટીએ આજે ગૃહની અંદર તથા બહાર દેખાવો કર્યાં હતાં. પાર્ટીએ માગણી કરી છે કે પીએમ મોદી એમની ટકોર બદલ માફી માગે. કોંગ્રેસે એવો સંકેત પણ આપ્યો છે કે તે વડા પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પણ રજૂ કરશે.

આજે રાજ્યસભાની બેઠક વખતે કોંગ્રેસનાં સભ્યો એમની સીટ પરથી ઊભાં થઈ ગયાં હતાં અને રેણુકા ચૌધરીનાં હાસ્ય ઉપર મોદીએ કરેલી ટિપ્પણી સામે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું.

ગૃહના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ શોરબકોર કરતાં કોંગ્રેસીઓને કહ્યું હતું કે તેઓ ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડે નહીં, તે છતાં કોંગ્રેસીઓએ એમનો વિરોધ ચાલુ રાખ્યો હતો.

બૂમરાણ મચાવી રહેલા સભ્યોને નાયડુએ કહ્યું હતું કે, આ સંપૂર્ણપણે બિનલોકતાંત્રિક રીત છે, તમે સૌ પાછા જઈને તમારી સીટ પર બેસી જાવ. શું તમે ગૃહની બેઠક રોકી દેવા માગો છો? જો આવું ચાલુ રહેશે તો મારે ગૃહની બેઠક મોકૂફ રાખવાની ફરજ પડશે.

કોંગ્રેસીઓ તે છતાં એમનો શોરબકોર બંધ ન કરતાં નાયડુએ ગૃહની બેઠક મોકૂફ રાખી દીધી હતી.

દરમિયાન, કોંગ્રેસી સંસદભ્યોનું એક પ્રતિનિધિમંડળ નાયડુને મળ્યું હતું અને વડા પ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસનાં સભ્ય કુમાર શૈલજાએ પત્રકારોને કહ્યું હતું કે, પ્રતિનિધિમંડળે એવી માગણી કરી હતી કે ચૌધરી સામે મોદીની ટિપ્પણી મહિલાઓ-વિરોધી હતી તેથી એ માફી માગે.

રેણુકા ચૌધરી વધારે રોષે ભરાયાં છે અને કહ્યું કે મેં આ મુદ્દે વડા પ્રધાન સામે વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. હું મારાં પક્ષ સાથે વાત કરીશ અને પછી આગળનું પગલું કેવી રીતે ભરવું એ નક્કી કરીશ. હું બે પુત્રીની માતા છું અને એક પત્ની છું. વડા પ્રધાને મહિલાઓનાં મોભાનું અપમાન કર્યું છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ડી.પી. ત્રિપાઠીએ કોંગ્રેસ પાર્ટીને સલાહ આપી છે કે તે આ મુદ્દાને વધારે ખેંચે નહીં, પરંતુ જો કોંગ્રેસ કોઈ નિર્ણય લેશે તો અમારો પક્ષ એને ટેકો આપશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે રેણુકા ચૌધરી વડા પ્રધાન મોદીના એ દાવા પર જોરથી બેહુદી રીતે હસ્યાં હતાં કે આધાર કાર્ડ યોજનાનો આઈડિયા સૌપ્રથમ વાર વાજપેયીની સરકાર વખતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. રેણુકા જોરજોરથી હસી રહ્યાં હતાં ત્યારે ગૃહનાં અધ્યક્ષ નાયડુ ખિજાઈ ગયા હતા અને ટકોર કરી હતી કે તમને કંઈ થયું હોય તો ડોક્ટરને જઈને મળો. તે છતાં રેણુકાએ હસવાનું બંધ કર્યું નહોતું. ત્યારે મોદીએ એવી ટકોર કરી હતી કે, અધ્યક્ષજી, તમે રેણુકાજીને અટકાવો નહીં. ‘રામાયણ’ ટીવી સિરિયલ જોયાના 20 વર્ષ પછી આવું હાસ્ય જોવાની ફરી તક મળી છે.

મોદીના કહેવાનો મતલબ રાવણની રાક્ષસી બહેન સૂર્પણખાનાં અટ્ટહાસ્ય વિશેનો હતો. આમ, મોદીએ દેખીતી રીતે રેણુકાની સરખામણી સુર્પણખા સાથે કરી હતી. મોદીની એ ટકોરથી શાસક પક્ષનાં સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું એ સૌએ એમની પાટલીઓ પર હાથ પછાડીને અને વધાવી લીધું હતું.

કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરન રિજિજૂએ તો એમના ટ્વિટર એકાઉન્ટ પર રેણુકાનાં અટ્ટહાસ્યવાળી ઘટનાની ગમ્મત કરતું ટ્વીટ કર્યું હતું અને ફેસબુક પર ‘રામાયણ’ સિરિયલના એ અંશનો વિડિયો મૂક્યો હતો જેમાં રાક્ષસોના રાજા રાવણની રાક્ષસી બહેન સૂર્પણખાને રામ, સીતા અને લક્ષ્મણ સમક્ષ અટ્ટહાસ્ય કરતી બતાવવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]