નીચા મથાળે નવી લેવાલીના ટેકાથી સેન્સેક્સ 330 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં પહેલી ફેબ્રુઆરીને બજેટના દિવસથી મંદી શરૂ થઈ હતી, પણ આજે ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ અને એશિયાઈ સ્ટોક માર્કેટ સુધરીને આવતાં ભારતીય શેરોમાં નવેસરથી લેવાલી આવી હતી. અને માર્કેટમાં મંદીને બ્રેક વાગી અને ઝડપથી માર્કેટ બાઉન્સ થયું હતું. ટ્રેડિંગ સેશનને બીએસઈ સેન્સેક્સ 330.45(0.97 ટકા) ઉછળી 34,413.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 100.15(0.96 ટકા) ઉછળી 10,576.85 બંધ થયો હતો.

આજે હેવીવેઈટ શેરોમાં ઈન્ફોસીસ, એસબીઆઈ, એચયુએલ, એચડીએફસી, મારૂતિ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નવી લેવાલીથી માર્કેટની તેજીને સપોર્ટ મળ્યો હતો. બજેટ ડે પછી માર્કેટ સતત ઘટતું રહયું હતું. જેને પગલે માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું હતું. જેથી આજે બ્લુચિપ શેરોમાં ટેકારૂપી નવી લેવાલી આવી હતી, અને માર્કેટમાં ઝડપી સુધારો આવ્યો હતો.

  • બુધવારે એફઆઈઆઈએ રુપિયા 1022 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ પણ રુપિયા 461 કરોડનું નવું રોકાણ કર્યું હતું.
  • બુધવારે મોડીરાતે ડાઉ જોન્સ 19 પોઈન્ટ ઘટી 24,893 બંધ હતો. અને નેસ્ડેક 64 પોઈન્ટ ઘટી 7052 બંધ હતો.
  • અગ્રણી ફાર્મા કપની એફડીસી લિમિટેડના શેરમાં 16 ટકાની તેજી થઈ હતી, અને ભાવ વર્ષની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો. કંપનીએ શેર બાયબેક કરવાની મંજૂરી આપી દીધી છે, તેમજ ત્રીજા કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક રહ્યા છે. આથી એફડીસીમાં ભારે લેવાલીથી 16 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • ગૈલેક્સી સર્ફેક્ટેન્ટ્સના નવા શેરનું લિસ્ટીંગ 3 ટકાના પ્રમિયમ સાથે થયું હતું. કંપનીએ નવા શેર 1480ના ઈસ્યૂપ્રાઈઝે આપ્યા હતા. જે આજે સવારે રૂ.1520ના ભાવે લિસ્ટ થયો હતો. જે ટ્રેડિંગ સેશન દરમિયાન વધીને રૂ.1732 થઈ અને અંતે 1698.10 બંધ રહ્યો હતો. જે રુ.218.10(14.74 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
  • સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં સુધારો આવ્યો હતો, બપોરે યુરોપિયન સ્ટોક માઈનસ હતા.
  • આજે મોટાભાગે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. અને સેકટોરલ ઈન્ડેક્સ પ્લસ હતા.
  • જો કે એક માત્ર ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ હતી.
  • રોકડાના શેરોમાં નવી લેવાલીનો ટેકો હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 298.33 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 399.56 ઉછળ્યો હતો.