નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના છ બળવાખોર વિધાનસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. આ વિધાનસભ્યોએ સ્પીકરના અયોગ્ય ઠેરવવાના નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો છે. સ્પીકરે વિધાનસભામાં બજેટ દરમ્યાન ગેરહાજર રહેવાને આધારે આ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. વિધાનસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને ખોટો ઠેરવતાં રદ કરવાની માગ કરી છે.
હાલમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ છ વિધાનસભ્યોએ ક્રોસ વોટિગ કર્યું હતું, જેને પગલે ભાજપના હર્ષ મહાજનને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસી ઉમેદવાર અભિષેક મનુ સિંધવીએ હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યાર બાદ આ વિધાનસભ્યો ભાજપના સમર્થનમાં નિવેદનો કરતા જોવા મળ્યા હતા. આ વિધાનસભ્યોની ક્રોસ વોટિંગ પછી રાજ્યના સુખવિંદર સુખુની સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યાં છે, જ્યારે કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યો સામે આકરાં પગલાં લેવાની માગ થઈ હતી.
બીજી બાજુ, ભાજપે એ વિધાનસભ્યોની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે,મ જેના પર 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ પસાર કરતાં પહેલાં હંગામો કરવાનો આરોપ લાગેલો છે. એ કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે.
જોકે વિધાનસભા અધ્ય કુલદીપ સિંહ પઠાનિયાએ મિડિયાને કહ્યું હતું કે હંગામા મામલે કેટલાક સભ્યોને નોટિસ મળી છે અને મેં પણ એની નોંધ લીધી છે. સંસદની અંદર ભાજપના વિધાનસભ્યો દ્વારા આચરવામાં આવેલી ગેરશિસ્ત નિયમો અને બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘન હેઠળ કાર્યવાહી યોગ્ય છે અને આ સંબંધે નોટિસ જારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યોએ ગરિમાપૂર્ણ રીતે વિરોધ દર્શાવી શક્યા હોત, પરંતુ તેમણે કાગળ ફેંકીને વિરોધ દર્શાવ્યો હતો, જે સ્વીકાર્ય નથી.