RBI લોન ધારકોને આપશે રાહત?

નવી દિલ્હી: દેશમાં પહેલી જૂનથી કોમર્શિયસ ગેસ સિલિન્ડરના કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત દેશની જનતા માટે સારા સમાચાર મળી રહ્યા છે. GST કલેક્શન આંકડા હોય કે ફુગાવાના આંકડા લોકસભા ચૂંટણીના પરિણામ નજીક આવતાની સાથે તમામ મોર્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે હવે RBI પર લોનના વ્યાજ દરને લઈ રાહતના સમાચાર આપી શકે છે.

જૂન મહિનાની શરૂઆતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 5 જૂનથી શરૂ થઈ રહી છે અને 7 જૂને આ કમિટી રેપો રેટ પર નિર્ણય લેશે. રેપો રેટ પર મોંઘવારી સૌથી વધુ અસર કરે છે. જો છૂટક ફુગાવો નિયંત્રણમાં હોય તો રેપો રેટમાં કાપની અપેક્ષા પણ વધે છે. તાજેતરના આંકડા પણ સૂચવે છે કે, રિઝર્વ બેંક કદાચ આ વખતે લોન ધારકોને ભેટ આપી શકે છે. વર્ષ 2024ની શરૂઆતથી જ છૂટક ફુગાવાના આંકડા સતત નીચે જઈ રહ્યા છે.

રિટેલ ફુગાવાનો વૃદ્ધિ દર એપ્રિલમાં 4.8 ટકા હતો, જે માર્ચમાં 4.85 ટકા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 5.1 ટકા હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાનો ફુગાવાનો આંકડો પાછલા 10 મહિનામાં સૌથી નીચો આંકડો છે. ડિસેમ્બર 2023માં છૂટક ફુગાવો 5.7 ટકા હતો. છૂટક ફુગાવાની સાથે કોર ફુગાવાનો દર પણ સતત નીચે જઈ રહ્યો છે. તેથી આગામી સમયમાં પણ છૂટક ફુગાવો 6 ટકાની નીચે રહેવાની આશા છે. ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે માર્ચ 2025 સુધી છૂટક ફુગાવો 4.5 ટકા રહેવાની સંભાવના સેવાય રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિટેલ ફુગાવાનો આંકડો માત્ર 3.8 ટકા રહેવાની ધારણા છે.

રેપો રેટ હાલમાં 6.5 ટકા છે અને RBIએ ફેબ્રુઆરી 2023 પછી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આપને જણાવી દઈએ કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ 5 ટકાના વધારાની જાહેરાત કરી છે, જે આજથી એટલે કે 3 જૂનથી લાગુ થશે.