રાજસ્થાનનું રાજકીય સંકટઃ બેઉ બળિયા ફરી બાથે વળિયા   

જયપુરઃ રાજસ્થાન કોંગ્રેસમાં CM પદનું રાજકીય સંકટ ખતમ થવાનું નામ નથી લેતું. અશોક ગહેલોત સચિન પાઇલટ માટે ખુરશી છોડવા તૈયાર નથી. જેના માટે તેમણે વિધાનસભ્યોને પોતાની સાથે સાઠગાંઠ પણ જારી રાખી છે. જેથી વિધાનસભ્યોની નંબર ગેમમાં ગહેલોત મજબૂત દેખાઈ રહ્યા છે, પણ પાઇલટે ગાંધી પરિવારનો વિશ્વાસ જીત્યો હોય તેમ લાગે છે. કોંગ્રેસ હાઇકમાન્ડે સચિન પાઇલટને મુખ્ય પ્રધાનપદની ખુરશી સોંપવાનો નિર્ણય લીધો છે, પણ ગહેલોત જૂથના વિધાનસભ્યોને એ મંજૂર નથી. ગહેલોત સમર્થક 82 વિધાનસભ્યોએ તોમનાં રાજીનામાં સ્પીકર સીપી જોશીને સોંપી દીધાં છે. સામે પક્ષે હાઇ કમાન્ડ પણ નમવા તૈયાર નથી.

રાજસ્થાનના રાજકીય સંકટને ખાળવા કોંગ્રેસે કેન્દ્રીય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને ઓબ્ઝર્વર તરીકે મોકલ્યા હતા, પણ આ નિરીક્ષકોને રાજ્યના 90 કોંગ્રેસી વિધાનસભ્યોએ મળવાનો ઇનકાર કર્યો હતો. પાર્ટીએ આને અનુશાસનહીનતા માની છે. પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા જયપુર મોકલવામાં આવેલા બે કોંગ્રેસી નેતાઓમાંથી એક અજય માકને કહ્યું હતું કે આ અનુશાસનહીનતા છે.

મુખ્ય પ્રધાન અશોક ગહેલોતના વફાદાર વિધાનસભ્યોએ સચિન પાઇલટને મુખ્ય પ્રધાનપદે આરૂઢ કરવામાં આવશે તો સામૂહિક રાજીનામાં આપવાની ધમકી આપી હતી. આ વિધાનસભ્યો ગઈ કાલે કોંગ્રેસની વિધાનસભ્યોની બેઠકમાં સામેલ નહોતા થયા, પણ એક મંત્રીના ઘરે અલગથી બેઠાં હતા.

કોંગ્રેસના નિરીક્ષકો એ પછી રાજસ્થાનથી દિલ્હી પરત ફર્યા છે અને તેમણે હાઇ કમાન્ડને નવા ડેવલપમેન્ટથી વાકેફ કર્યા હતા.રાજસ્થાનમાં જારી રહેલા રાજકીય સંકટમાં હવે કમલનાથની એન્ટ્રી થઈ છે. તેમને હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. કમલનાથ ગહેલોત જૂથ અને પાઇલટ જૂથની વચ્ચે મધ્યસ્થતા કરે એવી શક્યતા છે.