ગણપત યુનિવર્સિટીમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીના કુમુદ અને ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા તાજેતરમાં એક અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે કોઈ વ્યક્તિ બ્રેઇન-ડેડ કે મૃત્યુ પામે છે, ત્યારે તેનાં કિડની, હ્દય, લીવર, આંતરડાં, ફેફસાં કે સ્વાદપિંડુ વગેરે અંગો જરૂરિયાતવાળી વ્યક્તિને દાન આપવાથી- એને જીવનદાન જેવું મોટું પુણ્ય કાર્ય છે. જોકે સમાજમાં આ વિશે પૂરતી જાગૃતિ આવી નથી.

દેશમાં થયેલા એક સર્વે મુજબ દર વર્ષે પાંચ લાખ લોકો જરૂરિયાત મુજબનાં અંગો ના મળવાથી મૃત્યુ પામે છે, એમાં 20,000 લોકો લીવર નહીં મળવાથી અને 50,000 લોકો હ્દય નહીં મળવાથી મૃત્યુ પામે છે.  કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દોઢ લાખ જેટલી મોટી સંખ્યામાં લોકો રાહ જોતા હોય છે, પરંતુ એમાંથી માત્ર દર વર્ષે 5000 લોકોને જ કિડની મળે છે.

ગણપત યુનિવર્સિટીના કુમુદ અને ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પહેલા વર્ષના (બીએસસી અને જીએનએમ)ના વિદ્યાર્થીઓએ અંગદાન માટે પ્રતિબદ્ધતા જાહેર કરી હતી અને એ અંગેનો સંકલ્પ જાહેર કર્યો હતો. યુનિવર્સિટીમાં અંગદાન માટેનાં પોસ્ટર-ડિઝાઇનની સ્પર્ધા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.