ચૂંટણીમાં રેવડી કલ્ચર પર રાજસ્થાન, MPને ‘સુપ્રીમ’ નોટિસ

નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં મફત રેવડી વહેંચવાની ઘોષણાઓ અને યોજનાઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારને નોટિસ જારી કરી છે. ચીફ જસ્ટિસ ડીય વાય. ચંદ્રચૂડે, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ટેક્સ પેયર્સના પૈસાથી રોકડ અને મફત ચીજવસ્તુઓ વહેંચવાને મુદ્દે સરકારો પાસેથી ચાર સપ્તાહમાં જવાબ માગ્યો છે.

ટોચની કોર્ટે મધ્ય પ્રદેશ ને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મફતની રેવડીઓ વહેંચવાનો આરોપ લગાવતી જનહિત અરજી પર બંને રાજ્ય સરકારો પાસે જવાબ માગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને રાજ્ય સરકારો મતદાતાઓને લાલચ આપવા માટે કરદાતાઓના પૈસાનો દુરુપયોગ કરી રહી છે.

અરજીકર્તાએ કહ્યું હતું કે ચૂંટણીના ઠીક છ મહિના પહેલાં મફત ચીજવસ્તુઓ- સ્કૂટી, કોમ્પ્યુટર અને ટેબ વહેંચવામાં આવે છે અને રાજ્ય સરકારો એને જનહિતનું નામ આપે છે. કોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતાં આ નોટિસ જારી કરી છે. કોર્ટે જનહિત અરજીને અન્ય અરજીઓ સાથે જોડી દીધી હતી. બધા કેસોની સુનાવણી હવે એકસાથે થશે.

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય જાન્યુઆરી, 2022માં ફ્રીબીઝની વિરુદ્ધ એક જનહિત અરજી લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. એ અરજીમાં ચૂંટણી પંચ પાસે આવી પાર્ટીઓની માન્યતા રદ કરવાની માગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ અશ્વિનીથી સહમતી દર્શાવતાં કોર્ટ પાસે ફ્રીબીઝની વ્યાખ્યા નક્કી કરવાની અપીલ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે જો ફ્રીબીઝને વહેંચવાનું જારી રહ્યું તો એ દેશને ભવિષ્યમાં આર્થિક સંકટ તરફ લઈ જશે.