માતાની નજર સામે ત્રણેય ભાઈ-બહેન તળાવમાં ડૂબી ગયાં

અહમદનગર (મહારાષ્ટ્ર): અહમદનગર જિલ્લાના જામખેડ તાલુકાના ખર્ડા ગામમાં હૃદયને હચમચાવી દેનારી ઘટના બની છે. ખર્ડા ગામ નજીક આવેલા પાઝર નામના તળાવમાં કપડાં ધોવા ગયેલાં ત્રણ ભાઈ-બહેનનું મૃત્યુ થતાં ગામ તથા આસપાસના વિસ્તારમાં ઘેરો શોક ફરી વળ્યો છે. દીકરો અને દીકરી તેમજ જેઠનો દીકરો, એમ ત્રણ સંતાનો ડૂબવા લાગતાં માતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ એ પણ ડૂબવા લાગી હતી. ત્યાંથી પસાર થતા અમુક જણે એ જોયું હતું અને મહિલાને ડૂબતી બચાવી હતી. પરંતુ, ત્રણ બાળકોને બચાવી શકાયાં નહોતાં.

મૃતક બાળકોનાં નામ છે – દીપક જ્ઞાનેશ્વર સુરવસે, સાનિયા જ્ઞાનેશ્વર સુરવસે અને કૃષ્ણા પરમેશ્વર સુરવસે. દીપક અને સાનિયા સગા ભાઈ-બહેન હતાં જ્યારે કૃષ્ણા એમનો પિતરાઈ ભાઈ હતો. ત્રણેય બાળકો માતાની સાથે તળાવમાં કપડાં ધોવા ગયાં હતાં. પરંતુ સાનિયાનો પગ લપસતાં એ તળાવમાં પડી ગઈ હતી. એ ડૂબવા લાગતાં એને બચાવવા માટે પહેલા દીપક અને પછી કૃષ્ણાએ તળાવમાં ઝંપલાવ્યું હતું.

પરંતુ ત્રણેય જણ ડૂબવા લાગ્યા હતા. એ જોઈને માતાએ એમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. દીપક અને કૃષ્ણા 10મા ધોરણમાં ભણતા હતા જ્યારે સાનિયા આઠમા ધોરણમાં ભણતી હતી. ત્રણેય ભાઈ-બહેનનાં અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે આખું ગામ શોકમગ્ન થઈ ગયું છે.