સિક્કિમમાં પૂમાં 19નાં મોત, 100 લોકો ગુમ, 22,000 લોકો અસરગ્રસ્ત

ગંગટોકઃ સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં આવેલા અચાનક પૂરથી સેના છ જવાનો સહિત 19 લોકોનાં મોત થયાં છે. આ સાથે પૂરમાં અત્યાર સુધી 23 સેનાના જવાનોની સાથે 100થી વધુ લોકો લાપતા થયા છે. પૂરથી રાજ્યમાં ભારે નુકસાન થયું છે. આ પૂરથી 22,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 2411 લોકોને બચાવવામાં આવ્યા છે. આ સાથે અનેક પર્યટકો પણ ફસાયા છે. રાજ્ય પર્યટન વિભાગ ફસાયેલા પર્યટકોના સંપર્કમાં છે.

આ પૂરમાં રાજ્યમાં 11 પૂલનું ધોવાણ થયું છે. મંગન જિલ્લામાં આઠ પૂલનું ધોવાણ થયું છે. રાજ્યના ચાર પ્રભાવિત જિલ્લામાં પાણીની પાઇપલાઇન, સીવર લાઇન અને કાચાં-પાકાં 277 ઘરો ક્ષતિગ્રસ્ત થયાં છે. ચુંગથાંગ શહેરમાં પૂરથી સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં શહેરનો 80 ટકા હિસ્સો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

રાજ્યની લાઇફલાઇન ગણાતા NH-10ને અનેક જગ્યાએ ભારે નુકસાન થયું છે. તિસ્તા બેરાજની નજીક નીચલા વિસ્તારમાં સેનાના 15 લાપતા જવાનોની શોધખોળ જારી છે. આ તપાસ ઝુંબેશમાં ડોગ સ્કવોડની અને વિશેષ રડારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિક્કિમના મુખ્ય સચિવ વી. બી. પાઠકે પાઠકે કહ્યું હતું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અંદાજ મુજબ વિદેશી નાગરિકો સહિત 3000થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. પાઠકે જણાવ્યું હતું કે સેનાએ તેની ટેલિકોમ્યુનિકેશન સેવાને સક્રિય કરી છે અને ઘણા પ્રવાસીઓને તેમના ચિંતિત પરિવારના સભ્યો સાથે વાત કરવામાં મદદ કરી છે.