રાજસ્થાન ચૂંટણીઃ બળવાખોરોએ ભાજપ, કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી

જયપુરઃ રાજસ્થાનમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસે બળવાખોર નેતાઓ અને નારાજ નેતાઓને મનાવવાની કવાયત તેજ કરી દીધી છે. રાજ્યની 30 સીટો એવી છે, જ્યાં બંને પક્ષોને બળવાનો સામનો કરવો પડી રહ્યો છે.

બંને પક્ષોએ આ સંખ્યાને ઓછી કરવા માટે પોતપોતાના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. બંને પાર્ટીઓએ હવે બળવાખોરોને મનાવવા માટે એક જેવી પેટર્ન અપનાવી છે. જે હેઠળ પાર્ટીઓ એ જોઈ રહી છે કે કયો બળવાખોર તેમના ઉમેદવારને વધુ નુકસાન પહોંચાડી શકે એમ છે. પાર્ટીઓએ મંગળવારે ઉમેદવારો પાસેથી ફીડબેક લીધું છે કે કયો બળવાખોર તેમને સૌથી વધુ પડકાર આપી રહ્યો છે અને જાતીય સમીકણથી લાભ કે નુકસાન થઈ રહ્યું છે.  

ભલે બંને પક્ષો બળવાખોરોને મનાવવા માટે મોટી-મોટી યોજના બનાવી રહ્યા હોત કે દિગ્ગજોને મેદાનમાં ઉતારી રહ્યા હોય, પણ કોઈ પણ પાર્ટીને હાલ કંઈ ખાસ સફળતા મળતી જોવા નથી મળી. બંને પક્ષોના કેટલાય બળવાખોર નેતાઓ નિર્દલીય તરીતે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેમણે નામાંકન ભરી દીધું છે અને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.

ભાજપે કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીને નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી સોંપી છે, જ્યારે કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય રાજ્ય સ્તરના નેતાઓ અને પદાધિકારીઓ પણ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. આવા નેતાઓને શાંત કરવા માટે માત્ર નવ નવેમ્બર સુધીનો જ સમય બચ્યો છે.