રશ્મિકા વિશેના તે ડીપફેક વીડિયોને લીધે મોદી સરકાર એક્શન મોડમાં

નવી દિલ્હીઃ દક્ષિણી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના વિશેનો એક ડીપફેક (બનાવટી) વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. એને કારણે ખૂબ બૂમરાણ મચી ગઈ છે. આ વીડિયો બનાવવામાં આર્ટિફિશ્યલ ટેક્નોલોજી (AI)ના દુરુપયોગ કરવામાં આવ્યો છે. માત્ર રશ્મિકા જ નહીં, પણ કેટરીના કૈફ સહિત અન્ય અભિનેત્રીઓ વિશેના ડીપફેક નકલી વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યા છે. આ વિશે વ્યાપક રોષની લાગણી અને ફરિયાદો કરવામાં આવી છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તાત્કાલિક એક પગલું ભર્યું છે. તેણે AI ટેક્નોલોજી સંબંધિત ઘડેલા નિયમો વિશે લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત યાદ અપાવી છે.

કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે સોશ્યલ મીડિયા પર એક ચેતવણી ઈશ્યૂ કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ડીપફેક વીડિયો બનાવનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને એમને દંડ ફટકારવામાં આવશે. સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા, 2000ની કલમ 66-Dનો હવાલો આપીને આમ જણાવ્યું છે. આ કલમ અનુસાર, જે કોઈ વ્યક્તિ સંદેશવ્યવહારના કોઈ પણ સાધન કે કમ્પ્યુટર દ્વારા આ પ્રકારના વીડિયો બનાવીને છેતરપીંડી કરશે એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે અને રૂ. 1 લાખ સુધીનો દંડ પણ થશે. સરકારે રશ્મિકા મંદાના વિશેનો વીડિયો કોણે તૈયાર કર્યો છે અને અપલોડ કર્યો છે તે વિશે સરકાર તપાસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રશ્મિકાનાં એક ચાહકે પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર ખરો અને ખોટો, એમ બે પ્રકારના વીડિયો શેર કર્યા હતા. પહેલા વીડિયોમાં બ્રિટનસ્થિત ઝારા પટેલ નામની યુવતીને ડીપ નેક કાળા રંગનું આઉટફિટ પહેરીને લિફ્ટમાં એન્ટ્રી કરતી બતાવવામાં આવી છે. જ્યારે બીજા વીડિયોમાં ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને ઝારાનાં ચહેરાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે.