બ્રિટનમાં દારુડિયાઓમાં મહિલાઓની સંખ્યા વધારે

લંડનઃ દુનિયામાં શરાબ પીનારાઓની સંખ્યા ઘણી મોટી છે. દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં કરોડો રૂપિયાનો દારૂ ઢીંચવામાં આવે છે. દારૂ પીવામાં પુરુષો કરતાં મહિલાઓ આગળ છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ નામની સંસ્થાએ 33 દેશોમાં શરાબનું સેવન કરનારાઓનો સર્વે કર્યો છે. એમાં આંચકાજનક માહિતી મળી છે.

દુનિયામાં શરાબ પીતી સૌથી વધારે મહિલાઓ બ્રિટનમાં હોવાનું માલુમ પડ્યું છે. આ દેશમાં મહિલાઓ એક જ બેઠકે એક, બે નહીં, પણ 6-7 પેગ ગટગટાવી જાય છે. મહિલા શરાબીઓની સૌથી વધારે સંખ્યાની દ્રષ્ટિએ નવા સર્વેમાં બ્રિટને રોમાનિયા અને ડેન્માર્કને પાછળ પાડી દીધા છે. આલ્કોહોલ ચેન્જ બ્રિટન સંસ્થાના ડો. રિચર્ડ પાઈપરનું કહેવું છે, દારૂનું સેવન વધી જવાથી બ્રિટનને નુકસાન થઈ રહ્યું છે. નાગરિકો મોટી સંખ્યામાં શરાબ પીતા થયા છે. એને કારણે એમને ઘણા રોગ-બીમારીઓ પણ થવા લાગ્યા છે. આને રોકવાની જરૂર છે.

સર્વેના અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં શરાબના વેચાણની સાથોસાથ, સિગારેટ પીવાનું ચલણ પણ ખૂબ વધી ગયું છે. આ દેશમાં દર 20 જણ પૈકી એક જણ ધૂમ્રપાન કરે છે.