મોહમ્મદ શામી વિશે રાહુલ ગાંધીનું જૂનું ટ્વીટ હવે વાઈરલ થયું છે

મુંબઈઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગઈ કાલે મુંબઈમાં રમાઈ ગયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતે વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની શાનદાર સદીઓ અને 7-વિકેટવાળી મોહમ્મદ શામીની કાતિલ ફાસ્ટ બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડને 70-રનથી હરાવ્યું હતું.

શામીના બોલિંગ દેખાવે તો ભારતીય ક્રિકેટપ્રેમીઓને ઘેલાં કરી દીધાં છે. વિક્રમસર્જક દેખાવ બદલ શામી પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક સમય એવો હતો જ્યારે નિષ્ફળ જવા બદલ સોશિયલ મીડિયા પર શામીને ટ્રોલ કરવામાં આવ્યો હતો, તેની ખરાબ રીતે ટીકા કરવામાં આવી હતી અને કોઈકે તો એવું કહ્યું હતું કે શામી પાકિસ્તાન જતો રહે. પરંતુ એ વખતે ઘણા લોકોએ શામીનું સમર્થન પણ કર્યું હતું. એમાંના એક હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. 2021ની 25 ઓક્ટોબરે ગાંધીએ કરેલું ટ્વીટ ગઈ કાલની સેમી ફાઈનલ બાદ ઈન્ટરનેટ પર વાઈરલ થયું છે.

ગઈ કાલની મેચમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલ બેટિંગમાં જામી ગયા હતા અને 100+ની ભાગીદારી નોંધાવી ચૂક્યા હતા. એવામાં મિડ-ઓન સ્થાને ઊભેલા શામીએ વિલિયમસનનો એક અત્યંત સહેલો કેચ પડતો મૂક્યો હતો. એને લીધે કેટલાક ઓનલાઈન ટ્રોલર્સ ફરી સક્રિય થયા હતા. એમણે ઈન્સ્ટાગ્રામ પર શામી વિશે કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ શરૂ કરી હતી. કેટલાકે શામીને ગાળ પણ દીધી હતી. કોઈકે લખ્યું કે શામી પાકિસ્તાની છે. પરંતુ, 33મી ઓવરમાં બાજી પલટાઈ હતી. શામીએ જ વિલિયમસનને આઉટ કર્યો હતો અને ભારતે રાહતનો શ્વાસ લીધો હતો. એ વિકેટ પડતાં મેચમાં ભારતીય ટીમે કમબેક કર્યું હતું. શામીએ એ પછી જબરદસ્ત તરખાટ મચાવ્યો હતો અને એક પછી એક કિવી બેટરને પેવિલિયનમાં મોકલતો રહ્યો હતો. આખરે વ્યક્તિગત 7 વિકેટ લઈને તેણે ભારતને જીત અપાવી હતી.

મેચ પૂરી થયા બાદ સોશિયલ મીડિયા પર શામીના ગુણગાન ગવાતા થયા હતા. એમાં જ રાહુલ ગાંધીનું જૂનું ટ્વીટ ફરી વાઈરલ થયું હતું જેમાં રાહુલે લખ્યું હતું: ‘મોહમ્મદ શામી અમે બધાં તમારી સાથે છીએ. આ લોકોનાં મનમાં ઘૃણા ભરી છે, કારણ કે એમને કોઈ પ્રેમ કરતું નથી. એમને માફ કરી દેજો.’ હવે શામીએ જોરદાર બોલિંગ કરીને એની ટીકા કરનારાઓની બોલતી બંધ કરી દીધી છે.