નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આજે કેટલીક સલાહ આપી છે. રાહુલે કહ્યું છે કે સરકારે ગરીબો, મજૂરો અને નાના વેપારીઓને આર્થિક રાહત પેકેજ આપવું જોઈએ. 50 ટકા ગરીબોને તો રૂ. 7500ની રોકડ રકમની સીધી જ મદદ કરવી જોઈએ. વિડિયો નિવેદનમાં, રાહુલ ગાંધીએ મજૂરોના ઘર-વાપસીની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને સરકાર મદદ કરે, જેથી તેમને હાલાકી ભોગવવી ના પડે.
લોકડાઉન ખોલવા માટે વ્યૂહરચના જરૂરી
તેમણે કહ્યું હતું કે જે લોકો આ લોકડાઉનને કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેમની મદદ કર્યા વગર આપણે લોકડાઉનને જારી રાખી ન શકીએ. હું સરકારને વિનંતી કરું છું કે એ રાજ્ય સરકારોને, જિલ્લા અધિકારીઓને પોતાના ભાગીદાર સ્વરૂપે જુએ અને નિર્ણય લેવા માટે કેન્દ્રીકરણ ન કરે. તેમણે કહ્યું હતું કે જે સ્થિતિમાં આપણે છીએ, એમાંથી આપણે આગળ વધવાનું છે. લોકડાઉન થયું એ સારું છે, પણ હવે એ ખોલવાની વ્યૂહરચનાની જરૂર છે, એમાં કોંગ્રેસ પક્ષ સહયોગ આપવા તૈયાર છે.
ગરીબોને સીધા રૂ. 7500 આપવા જોઈએ
જો સરકાર લોકડાઉન ખોલવા ઇચ્છે છે, તો એણે લોકોના મનમાં કોરોના બીમારીના ઘર કરી ગયેલા ડરને વિશ્વાસમાં બદલવાની જરૂર છે. સરકારે કોરોના સંકટથી લડવા માટે પોતાની કામગીરીમાં પારદર્શિતા રાખવાની જરૂર છે. આપણે હાલ ઇમર્જન્સી સ્થિતિમાં છીએ અને ગરીબોના હાથમાં રૂ. 7500 આપવાનો વિચાર મહત્ત્વપૂર્ણ છે, એમ તેમણે કહ્યું હતું.
રાષ્ટ્રીય સ્તરે નહીં રાજ્ય સ્તરે ઝોન બનાવો
રાહુલે કહ્યું હતું કે હાલ રેડ, ગ્રીન અને ઓરેન્જ – એમ જે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા છે એ રાષ્ટ્રીય સ્તરે બનાવાયા છે, પરંતુ આ ઝોન રાજ્ય સ્તરે બનવા જોઈએ. રાજ્ય સરકારોએ તે તૈયાર કરવા જોઈએ. રાજ્યોના મુખ્ય પ્રધાનો કહી રહ્યા છે કે જે રાષ્ટ્રીય સ્તરે રેડ ઝોન છે, એ ખરેખર ગ્રીન ઝોન છે. જે ઝોન બની રહ્યા છે, એ DM અને CM દ્વારા મસલતમાં બનવા જોઈએ, એમ રાહુલે વધુમાં કહ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ કેર્સ ફંડનું ઓડિટીંગ થવું જોઈએ. કોણે કોણે પૈસા આપ્યા અને કેટલા આપ્યા છે તે સ્પષ્ટ થવું જોઈએ.