રાહુલ ગાંધીની જાહેરાતઃ ‘હું કશ્મીરી બ્રાહ્મણ છું, મારું ગોત્ર દત્તાત્રેય છે’

પુષ્કર (રાજસ્થાન) – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પુષ્કર સરોવરના કિનારે પૂજા કરી હતી અને જણાવ્યું કે ‘પોતે કૌલ બ્રાહ્મણ (કશ્મીરી બ્રાહ્મણ) છે અને દત્તાત્રેય ગોત્ર ધરાવે છે.’

રાહુલ ગાંધીએ થોડા વખત અગાઉ કહ્યું હતું પોતે શિવ પૂજક છે તેમજ જનોઈધારી છે. એ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની જ્ઞાતિ વિશે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં રાહુલે ઉપરોક્ત જાહેરાત કરી છે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાહુલે રાજ્યમાં એમની પાર્ટી માટે પ્રચાર શરૂ કર્યો છે. એમણે હિંદુ તેમજ મુસ્લિમ, એમ બંને કોમને રાજી કરવા માટે મંદિર તથા દરગાહની મુલાકાતો શરૂ કરી દીધી છે.

રાહુલે સહુ પ્રથમ પુષ્કરમાં બ્રહ્માજીના એક પૌરાણિક મંદિરની મુલાકાત લીધી. ત્યાંના દસ્તાવેજની નોંધ અનુસાર રાહુલ ગાંધીએ જણાવ્યું કે ‘પોતે કૌલ બ્રાહ્મણ છે અને દત્તાત્રેય ગોત્રના આધારે પુષ્કર સરોવરના કિનારે પૂજા કરી છે.’ એમની સાથે હતા, એમના બે પારિવારિક બ્રાહ્મણો પંડિત દિનાનાથ કૌલ અને રાજનાથ કૌલ. એ બંનેએ આ વાતને સમર્થન આપ્યું છે.

મંદિરના પૂજારીએ કહ્યું કે મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, વિજયાલક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી એમ સહુ કશ્મીરી પંડિતો છે.

કશ્મીરી પંડિતો એમની અટક તરીકે કૌલનો ઉપયોગ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]