જાણો ઉદ્યોગજગતના માંધાતાઓ સાથે CM રૂપાણીની વન ટુ વન બેઠકના મુખ્ય મુદ્દા

ગાંધીનગર-  ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની પૂર્વ તૈયારીરૂપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુંબઇ ખાતે પ્રતિષ્ઠિત વેપાર-ઉદ્યોગ-સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી.આ બેઠકના પ્રથમ તબક્કામાં ટાટા સન્સ લિમિટેડ,  આર,પી,જી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ,  હીરાનંદાની ગ્રુપ, યુનાઇટેડ ફોસફરસ લીમીટેડ, વેલ્સ્પુન લીમીટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એબોટ્ટના સંચાલકોએ મળીને ગુજરાતમાં તેમના પ્રોજેક્ટના ભાવિ રોકાણો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત મુખ્યપ્રધાન સાથે રીયાલન્સ ઇન્ડસ્ટ્રીઝના નીખીલ મેશવાનીએ પણ વન ટુ વન બેઠક યોજી હતી.

મુખ્યપ્રધાને બિજનેસ માંધાતાઓને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા નિમંત્રણ આપવાની સાથે  રોકાણોને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો.

મુખ્યપ્રધાને આ બેઠકમાં કહ્યું કે, ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસમાં દહેજ, કચ્છ, દ્વારકા, સોમનાથ ભાવનગર અને પીપાવાવ એમ છ સ્થળોએ 100 એમ.એલ.ડીના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટેની ટેન્ડર પ્રકિયા શરૂ કરાશે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાના હલ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. મુખ્યપ્રધાને આ પ્લાન્ટ પીપીપી ધોરણે સ્થાપવા અંગે મુંબઈમાં વન ટુ વન બેઠકમાં દિશાનિર્દેશ આપ્યો હતો.

ગિફ્ટ સિટી  હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ત્યારે, આ સંચાલકો પોતાના રોકાણ અને કારોબાર ત્યાં શરૂ કરે તે માટે પણ વિજય રૂપાણીએ ચર્ચા વિમર્શ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ડિફેન્સ સેક્ટર અને એરો સ્પેસ સેક્ટરમાં પણ ગુજરાતમાં રોકાણની તકોની સંભાવનાઓ  અંગે પણ વાતચીત કરી હતી.

સનફાર્માના દિલીપ સંઘવીએ પણ મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં રીંન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સનફાર્મા રોકાણ કરવા ઉત્સુક છે, તેમ પણ જણાવ્યુ હતું.

વન ટુ વન બેઠકના મુખ્ય મુદ્દા

  • ગિફટ સિટી હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ઉદ્યોગ-વેપાર સંચાલકોને રોકાણ અને કારોબાર શરૂ કરવા મુખ્યપ્રધાનનો અનુરોધ
  • ડીસેમ્બર-૨૦૧૮ માં રાજયમાં ૧૦૦ એમ-એલ-ડીના છ ડીસેલીનેશન પ્લાન્ટ પી-પી-પી ધોરણે શરૂ કરવાના ટેન્ડરો આખરી કરાશે
  • સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાના હલ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા
  • આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવાં મુખ્યપ્રધાને નિમંત્રણ પાઠવ્યું