જસદણ બેઠક પર કોંગ્રેસને અમારો આ પડકાર છેઃ ભાજપ

ગાંધીનગર- જસદણની બેઠક પર યોજાનારી ધારસભ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને જસદણના ઉમેદવાર જાહેર કરવા અનેકવાર પડકાર આપી ચુક્યા પછી પણ કોંગ્રેસ હજૂ ઉમેદવાર જાહેર કરી શકતી નથી. કોંગ્રેસ છેલ્લા કેટલાંય સમયથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની અનેક ચુંટણીઓ હારી ચુકી છે. કોંગ્રેસના અંદરો-અંદરના ઝઘડાને કારણે કેટલીય તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ગુમાવી છે. તીવ્ર જૂથબંધીને કારણે કોંગ્રેસને “જમ્બોજેટ” સંગઠન માળખું જાહેર કરવું પડ્યું છે. ભાજપનું સંગઠન મજબૂત છે. કેન્દ્ર અને રાજય સરકારની કામગીરીને કારણે ભાજપને જનતાનું સમર્થન છે. જસદણની ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે તેવો જનતામાં અમને વિશ્વાસ છે.

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના રામમંદિરનાં નિવેદન સામે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ “ભગવાનશ્રી રામનું અસ્તિત્વ નથી” એ માત્ર “એક નાટક”નું પાત્ર છે. તેવી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી તે અમારી પાસે રામમંદિરનો જવાબ માંગે છે ?. એકબાજુ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ 2019 પછી રામ મંદિરનો ચુકાદો આપવાનું કહે છે. તે લોકો અમારી પાસે રામમંદિરની તારીખ માંગે છે?.પંડયાએ જણાવ્યું હતું કે, ભગવાનશ્રી રામ કરોડો લોકોની શ્રદ્ધા-આસ્થા છે, શ્રી રામ આ રાષ્ટ્રની શક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ છે. લાખો પૂજનીય સંતોની ભક્તિ છે. શ્રી રામ એ એકતા અને સમરસતાનું પ્રતિક છે, શ્રી રામ એ ન્યાય અને લોકકલ્યાણનું પ્રતિક છે. રામમંદિર નિર્માણ એ કોર્ટના આદેશથી થાય કે કેન્દ્ર સરકારના જનાદેશથી થાય પરંતુ રામમંદિર નિર્માણ થશે જ તેવો વિશ્વાસ અમને અને દેશની જનતાને છે પણ માત્ર કોંગ્રેસને નથી. કારણ કે, કોંગ્રેસ જ રામ મંદિર ન બને તેવું ઈચ્છી રહી છે.

અમારી શ્રદ્ધા, સંકલ્પ અને સમર્થનથી રામમંદિર બને તેમાં છે. જયારે કોંગ્રેસે સુપ્રીમકોર્ટમાં એફિડેવીટ કરીને સ્પષ્ટ કહ્યું હતું કે, “શ્રી રામનું અસ્તિત્વ નથી અને રામમંદિરનો ચુકાદો જલ્દી ન આવે” તેવાં કાનૂની દાવપેચ કરે છે એટલે કોંગ્રેસ રામમંદિર ન બને તેવું ઈચ્છે તે સ્પષ્ટ છે.

કોંગ્રેસ રામમંદિર વિરોધી, નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી છે તેમ ભરત પંડયાએ જણાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ નર્મદા વિરોધીઓને ખુલ્લું સમર્થન આપી ચુક્યાં છે. તેમની નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી માનસિકતા ગુજરાતની જનતા જાણે છે. હવે તે ગુજરાતમાં આવીને ખેડૂત કે પાણીના મુદ્દે બોલે તે યોગ્ય નથી. તેમને ખેડૂત કે પાણીના મુદ્દે બોલવાનો અધિકાર નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]