મહિલાઓની T20 ક્રિકેટ રમતને 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવા ICC રજૂઆત કરશે

દુબઈ – ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ રમતના જાગતિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. એણે કહ્યું છે કે 2022ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની T20 ક્રિકેટ રમતને સામેલ કરવામાં આવે એ માટે તે રજૂઆત કરશે.

આ જાહેરાત કરતાં ICCના ચીફ એક્ઝિક્યૂટિવ ડેવિડ રિચર્ડસને કહ્યું કે મહિલાઓની ક્રિકેટ તથા કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે નવી ભાગીદારીનું નિર્માણ થાય એ જરૂરી છે.

ક્રિકેટ અને કોમનવેલ્થ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કોમનવેલ્થ સમૂહના દેશોમાં એક અબજથી વધુ પુખ્ત વયના ચાહકોમાંથી 91 કરોડ ક્રિકેટના ચાહકો છે.

મહિલાઓની ક્રિકેટ તથા કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે નવી ભાગીદારીનું નિર્માણ મહિલાઓની રમતના વિકાસ માટે આ બંને સંસ્થાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, એમ રિચર્ડસને એક નિવેદનમાં જણાવ્યું છે.

એમણે કહ્યું કે આ નવી ભાગીદારીનો શુભારંભ કરવા માટે બર્મિંઘમ એકદમ ઉચિત સ્થળ છે, કારણ કે આ શહેર ક્રિકેટની ભવ્યતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતા તથા વારસાને શેર કરે છે. શહેરના 23 ટકા રહેવાસીઓ બ્રિટનથી બહાર ક્રિકેટ રમતા દેશો સાથે જોડાણ ધરાવે છે. આમ, ક્રિકેટ અને બર્મિંઘમ શહેર વચ્ચે ગાઠ સંબંધ રહેલો છે. તે લોકોને સંગઠિત કરશે અને ખેલાડીઓ તેમજ મહિલાઓની ક્રિકેટનાં ચાહકોની ભાવિ પેઢીઓને પ્રોત્સાહિત કરશે.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટની રમતે 1998માં મલેશિયાની ગેમ્સ સાથે કોમનવેલ્થ રમતોત્સવમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ રજત અને ન્યુ ઝીલેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]