ભાજપના ‘एक हैं तो सेफ हैं’ પર રાહુલ ગાંધીના પ્રહાર

મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીથી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પત્રકાર પરિષદમાં એક તિજોરી લઈને પહોંચ્યા હતા, જેના પર લખ્યું હતું કે  ‘एक हैं तो सेफ हैं. તેમણે મહાયુતિ સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી કેટલાક અબજોપતિ અને ગરીબોની વિચારધારાની વચ્ચેની લડાઈ છે. જાતિ જનગણતરી અમારી માટે સૌથી મોટો મુદ્દો છે. અમે એ કરીશું જ.

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ્યની મહાયુતિ તથા કેન્દ્રની NDA સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે વર્તમાન સરકારે ફોક્સકોન, એરબસ જેવા સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવીને ગુજરાત ટ્રાન્સફર કર્યા. જેને કારણે મહારાષ્ટ્રના લોકોની નોકરી છીનવાઇ ગઈ છે.

તેમણે અદાણી અને PM મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે એક હૈ તો સૈફ હૈ. તેમના આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે તેમણે PM મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ ધારાવાની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માગે છે. આ જ કારણોસર તે આ પ્રોજેક્ટને લઈને આવી રહી છે. ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બધું માત્ર એક જ વ્યક્તિના હાથમાં આપવા માગે છે.

ધારાવીના વિકાસને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે ધારાવીના વિકાસને લઈને યોજના છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું. અમે માત્ર કોઈ એક વ્યક્તિના કહેવા પર પ્લાન નહીં બનાવીશું. અહીં પૂરનો મુદ્દો પણ છે. આપણે તેના પર પણ કામ કરવાનું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવા માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે.