પુણેઃ પંજાબી ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં પુણે શહેરની પોલીસે વોન્ટેડ આરોપી અને પુણે જિલ્લાના ગેંગસ્ટર, શૂટર સંતોષ જાધવની પંજાબ, પુણે અને દિલ્હી શહેરોની પોલીસની એક સંયુક્ત ટૂકડીએ ધરપકડ કરી છે. પુણે ગ્રામીણ પોલીસે ગઈ કાલે રાતે જાધવને પકડ્યો હતો અને મધરાતે ન્યાયાધીશ સમક્ષ હાજર કર્યો હતો. ન્યાયાધીશે જાધવને 20 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. સંતોષ જાધવ પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના મંચર ગામનો રહેવાસી છે. છેલ્લા દોઢ વર્ષથી તે એક સ્થાનિક ગુંડાની હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. એ ઉત્તર ભારતમાં લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં જોડાઈ ગયો હતો.
મૂસેવાલાની હત્યાના પ્રકરણમાં સંતોષનું નામ ચમકતાં ચર્ચા શરૂ થઈ હતી. એ પછી બોલીવુડ એક્ટર સલમાન ખાનને મારી નાખવાની ધમકીના કેસમાં પણ એનું નામ ચમક્યું હતું. ત્યારબાદ પુણે પોલીસે જાધવની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સંતોષની સાથે એના એક સાગરિત નવનાથ સૂર્યવંશીની પણ ધરપકડ કરી છે. મૂસેવાલાની હત્યાના કેસના સંબંધમાં પોલીસે સંતોષ જાધવના એક અન્ય સાગરિત સૌરભ મહાકાલની ગઈ 8 જૂને ધરપકડ કરી હતી. ગાયક મૂસેવાલા (મૂળ નામ શુભદીપસિંહ સિધુ)ની ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લાના જવાહર કે ગામમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી.