પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશેઃ સૂત્ર

પુડુચેરીઃ પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસામી અને સત્તારૂઢ કોંગ્રેસ-દ્રમુખ ગઠબંધનના વિધાનસભ્યોએ સોમવારે વિશ્વાસમતમાં સરકારની હાર પછી ઉપ-રાજ્યપાલ તમિલિસાઇ સુંદરરાજનને રાજીનામાં સોંપ્યાં હતાં. આ પહેલાં વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાનથી પહેલાં મુખ્ય પ્રધાન નારાયણસામી અને સત્તારૂઢ પાર્ટીના અન્ય વિધાનસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યો હતો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે, કેમ કે વિપક્ષ- ભાજપ અને એઆઇડીએમકે જેવા પક્ષો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકાર બનાવવા માટે ઉત્સુક નથી. ભાજપ અને એના સહયોગી પક્ષો અહીં સરકાર બનાવવાનો દાવો નહીં કરે. ઉપ-રાજ્યપાલે પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે. તેમણે પત્ર મોકલી દીધો છે અને આજે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે.

પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના ત્રણ મહિના પહેલાં નારાયણસામીની સરકાર પડી હતી. કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યોએ રાજીનામા આપ્યા પછી સરકાર લઘુમતી આવી ગઈ હતી. પાંચ કોંગ્રેસ અને એક ડીએમકેના વિધાનસભ્યએ રાજીનામાં આપ્યાં હતાં. આમાં બે કોંગ્રેસી વિધાનસભ્યોએ ભાજપમાં જોડાયા હતા, જ્યારે બાકીના પણ ભાજપમાં જોડાવાની શક્યતા છે.

મુખ્ય પ્રધાન નારાયણસામીએ મુખ્ય વિપક્ષના એનઆર કોંગ્રેસ અને ભાજપ પર તેમની સરકાર ઊથલાવવાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં વિશ્વાસમત ગુમાવ્યાના એક દિવસ પછી મુખ્ય પ્રધાન વી. નારાયણસામી અને તેમના પ્રધાનમંડળના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.