મુંબઈઃ નૈઋત્ય ખૂણેથી કેરળ માર્ગે ભારતમાં પ્રવેશતું ચોમાસું આ વખતે હવામાનમાં આવેલા ફેરફારોને કારણે વિલંબિત થયું છે. હવામાન વિશે અનુમાન કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે કેરળમાં આવતી 8 કે 9 જૂને ચોમાસું બેસશે, પરંતુ એનો પ્રવેશ હળવો હશે. અરબી સમુદ્ર પરના આકાશમાં વાવાઝોડાની તીવ્ર સ્થિતિ સર્જાતાં કેરળમાં ચોમાસાની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. આ અસર હેઠળ, ચોમાસાના વાદળો કેરળના સમુદ્રકાંઠા પર પહોંચશે તો ખરા, પરંતુ પશ્ચિમી ઘાટ વિસ્તારથી આગળ વધવામાં એમને ઝઝૂમવું પડશે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્ર પરના આકાશમાં પૂર્વ-મધ્ય અને તેની બાજુના દક્ષિણ-પૂર્વ ભાગમાં ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ સર્જાયું છે અને તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના છે. આગળ જતાં તે એ જ વિસ્તારમાં અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જાય એવી પણ સંભાવના છે. વાવાઝોડું ગઈ વહેલી સવારે લગભગ અઢી વાગ્યે ગોવાથી 900 કિ.મી. પશ્ચિમ-નૈઋત્ય તરફ (મુંબઈથી 1,020 કિ.મી. નૈઋત્યમાં અને પોરબંદરથી 1,090 કિ.મી. દક્ષિણ-નૈઋત્યમાં) સ્થિર થયું હતું. આને કારણે ચોમાસું કેરળ તરફ આગળ વધતું અટકી ગયું છે.