મુંબઈઃ કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડિસેમ્બર મહિના માટે રાંધણ ગેસ (એલપીજી) સિલન્ડરની કિંમત જાહેર કરી છે. ગયા ઓગસ્ટથી સપ્ટેમ્બરના સતત ત્રણ મહિના સુધી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નહોતો, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો. હવે ડિસેમ્બરમાં ઓઈલ કંપનીઓએ સબસિડી-વગરના 14.2 કિલોગ્રામ વજનના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.
આઈઓસી કંપનીના જણાવ્યા મુજબ, 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 594થી વધીને હવે રૂ. 644 કરવામાં આવી છે. જ્યારે કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 56 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મુંબઈમાં હવે સબસિડી વગરનું ગેસ સિલિન્ડર રૂ. 644માં મળશે. દિલ્હીમાં આનો ભાવ રૂ. 644, કોલકાતામાં રૂ. 670.50 અને ચેન્નાઈમાં રૂ. 660 છે. અમદાવાદમાં આ સિલિન્ડર હવે રૂ. 651માં મળશે. 19 કિલોગ્રામનું રાંધણ ગેસ સિલિન્ડર 55 રૂપિયા મોંઘું થયું છે. મુંબઈમાં તે હવે રૂ. 1,244માં મળશે.