ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓ જૂની છે અને હવે આ મિત્રતા વધુ ગાઢ થવા જઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની પ્રશંસા કરી છે. એમણે ભારતમાં રોકાણને પણ ફાયદાકારક ગણાવ્યું છે.
‘મેક ઈન ઈન્ડિયા’ પહેલની પ્રશંસા કરતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતની મેક ઈન ઈન્ડિયા નીતિથી ભારતમાં નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગોમાં સ્થિરતા આવી છે . અમે માનીએ છીએ કે ભારતમાં રોકાણ અત્યંત નફાકારક છે”.
રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના વખાણ કર્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. એમણે પીએમ મોદીની ભારત પ્રથમ નીતિઓની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે “રશિયા સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે.” રશિયાની રાજધાની મોસ્કોમાં એક રોકાણ સમિટને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે ‘વડાપ્રધાન મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ કેવી રીતે મજબૂત કરી રહી છે. એનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત છે.’ પીએમ મોદીની પ્રશંસા કરતા, રશિયન રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે કેવી રીતે વડાપ્રધાન મોદીની નીતિઓએ વિકાસ માટે સ્થિર વાતાવરણ બનાવીને ભારતના વિકાસમાં ફાળો આપ્યો છે.
પુતિને ભારતમાં રોકાણને નફાકારક ગણાવ્યું
મોસ્કોમાં આયોજિત ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પોતાના સંબોધનમાં એમણે કહ્યું, ‘વડાપ્રધાન મોદીનો મેક ઇન ઇન્ડિયા નામનો કાર્યક્રમ છે. અમે ભારતમાં અમારી મેન્યુફેક્ચરિંગ કામગીરી શરૂ કરવા માટે પણ તૈયાર છીએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સરકાર ભારતને પ્રાધાન્ય આપવાની નીતિથી પ્રેરિત થઈને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે. અમે માનીએ છીએ કે ભારતમાં રોકાણ નફાકારક છે.’ જયારે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન કંપની રોઝનેફ્ટે તાજેતરમાં ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
પુતિને અમેરિકાને પાઠ આપ્યો
કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં રશિયન રાષ્ટ્રપતિએ આડકતરી રીતે અમેરિકા પર નિશાન સાધ્યું હતું. પુતિને કહ્યું, ‘નવી રશિયન બ્રાન્ડ્સનો ઉદભવ તે પશ્ચિમી કંપનીઓને બદલવામાં મદદ કરી રહ્યો છે જેણે સ્વેચ્છાએ આપણું બજાર છોડી દીધું છે.’ પુતિનના નિવેદનથી સ્પષ્ટ છે કે ભારત વિશ્વમાં એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ જ કારણ છે કે રશિયા હવે રોકાણ માટે ભારતને પસંદ કરી રહ્યું છે. જો રશિયા ભારતીય બજારમાંથી અમેરિકન સામાનને પાછળ છોડવામાં સફળ થશે તો તે અમેરિકા માટે મોટો ફટકો સાબિત થશે.
