કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી, ગુજરાતથી શરૂઆત, દિલ્હીમાં મહાબેઠક

તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે ફેરફારના સંકેત આપ્યા હતા. તેમણે પાર્ટીના સંગઠનને નવું સ્વરૂપ આપવા અને નિષ્ક્રિય લોકોને બહારનો રસ્તો બતાવવાની વાત કરી હતી. હવે નવા અહેવાલો અનુસાર, કોંગ્રેસ લાંબા સમય બાદ કોઈ મોટી કાર્યવાહીના મૂડમાં જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, દેશભરના લગભગ 700 જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષોને દિલ્હી તેડૂ આવ્યું છે, જેનો હેતુ પાર્ટીના માળખાને ફરી મજબૂત કરવાનો છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા દેશભરમાંથી આવેલા 700 જિલ્લા પ્રમુખો સાથે ત્રણ દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠક ત્રણ તબક્કામાં થશે, જેમાં પાર્ટીના નવા સંગઠનીય ઢાંચાની ચર્ચા થશે. આ બેઠકો 27-28 માર્ચ અને 3 એપ્રિલે યોજાશે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને AICCના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ હાજર રહેશે અને પાર્ટીને મજબૂત કરવાની રણનીતિ પર વિચારણા કરશે.

16 વર્ષના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસ આવી મહત્વની બેઠક યોજી રહી છે, જે પાર્ટી માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. મળતી ખબરો પ્રમાણે, આ નવી રણનીતિનું પ્રથમ પરીક્ષણ ગુજરાતમાં થશે, જ્યાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ કમિટી (DCC)ના અધ્યક્ષોને ઉમેદવારોની પસંદગીમાં મોટી જવાબદારી સોંપવા અને સંગઠનને નીચે સુધી મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવશે. AICCના મહાસચિવ અને ઈન્ચાર્જની એક ખાસ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જેમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓના નાના સમૂહે તૈયાર કરેલી સંગઠનીય મજબૂતીની યોજના પર પણ ચર્ચા થઈ હતી. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. જો કોંગ્રેસ અહીં પોતાની પકડ મજબૂત કરી શકે, તો તે ભાજપની મજબૂત છબિને પડકાર બની શકે છે. આ ઉપરાંત, ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોંગ્રેસના મહાન નેતાઓની જન્મભૂમિ છે, જેમણે દેશની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું હતું.