પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે મતદાન જારીઃ છ લોકોની હત્યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે સવારે સાત કલાકથી મતદાન શરૂ થયું છે. કુલ 63,229 ગ્રામ પંચાયત સીટો પર મતદાન થશે. 9730 પંચાયત સમિતિ સીટો અને 928 જિલ્લા પરિષદ સીટો પર ચૂંટણી થઈ રહી છે. બીજી બાજુ, સીતાઈ, કૂચબિહારમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થવા પર અજાણ્યા ઉપદ્રવીઓએ 6-130 બૂથ, બરવિટા પ્રાઇમરી સ્કૂલમાં તોડફોડ કરી હતી.

રાજ્યમાં આઠ જૂનથી માંડીને અત્યાર સુધી હિંસાની કેટલીય ઘટનાઓ બની ચૂકી છે. અત્યાર સુધી 15 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. મતદાન દરમ્યાન સુરક્ષા માટે 70,000 રાજ્ય પોલીસની સાથે કેન્દ્રીય દળોને તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી ચૂંટણીમાં 73,887 સીટો પર મતદાન જારી છે, એમાં કુલ 2.06 લાખ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં મતદાનની વચ્ચે અત્યાર સુધી કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે રાત્રે મૃતકોમાં પાંચ TMCના તો એક ભાજપનો કાર્યકર્તા સામેલ છે. મુર્શિદાબાદમાં સમસેરગંજમાં એક TMC કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના શુલિતલા વિસ્તારમાં બૂથ નંબર 16ની છે.

પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ બ્લોક એકના રહેવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવયું છે કે જ્યાં સુધી મહમ્મદપુર નંબર બે ક્ષેત્રમાં બૂથ સંખ્યા 67 અને 68 પર કેન્દ્રીય દળ તહેનાત નથી કરવામાં આવ્યા, ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. એક મતદાતાએ કહ્યું હતું કે અહીં કોઈ કેન્દ્રીય દળ નથી. TMC દ્વારા અહીં બૂથ કેપ્ચરિંગ થતી રહે છે.