EDએ મનીષ સિસોદિયા સહિત અન્યની રૂ. 52 કરોડની સંપત્તિ જપ્ત કરી?

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દિલ્હીની લિકર નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા, તેમની પત્ની સીમા અને કેટલાક અન્ય આરોપીઓની રૂ. 52 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. રૂ. 52.24 કરોડની જે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, એમાં રૂ. 7.29 કરોડની અચલ સંપત્તિ સામેલ છે, જેમાં મનીષ સિસોદિયા અને તેમનાં પત્ની સીમા સિસોદિયાની બે અચલ સંપત્તિઓ, રાજેષ જોશીની ચેરિયટ પ્રોડક્શન મિડિયા પ્રા. લિ.ની જમીન-ફ્લેટ અને ગૌતમ મલ્હોત્રાના જમીન-ફ્લેટ સામેલ છે.

આ સાથે મનીષ સિસોદિયાના બેન્કમાં જમા રૂ. 11.49 લાખ રોકડ, બ્રિડકો સેલ્સ પ્રા. લિ.ના બેન્ક બેલેન્સ સહિત રૂ. 44.29 કરોડ પણ આ જપ્તીમાં સામેલ છે.આ કૌભાંડમાં જપ્ત કરવામાં આવેલા પહેલા આદેશ હેઠળ વિજય નાયર, સમીર મહેન્દ્રુ, અમેતિ અરોડા, અરુણ પિલ્લઇ અને અન્યના રૂ. 76.54 કરોડની ચલ-અચલ સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી.દિલ્હી લિકર નીતિ કેસમાં રૂ. 1934 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. EDએ અત્યાર સુધી કુલ રૂ. 128.78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જ્યારે આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ED આ કેસમાં બિઝનેસમેન દિનેશ અરોડાની ધરપકડ કરી હતી, EDની FIR મુજબ અરોડાએ એક્સાઇઝ નીતિને લઈને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલથી મુલાકાત કરી હતી. તે આપ નેતા વિજય નાયરની સાથે મળીને કામ કરી રહ્યા હતા.

EDએ મેમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો હતો કે દિનેશ, સિસોદિયાના છે. તેઓ એક અન્ય બિઝનેસમેન અમિત અરોડાથી પૈસા લઈને સિસોદિયા સુધી પહોંચાડતા હતા. તેમણે અમિતને લાભ પહોંચાડવા અને લિકર કેસમાં સિસોદિયાએ આશરે રૂ. 2.2 કરોડની લાંચ લીધી હતી.