મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની સામે કેટલાક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ક્રિશ્ચિયન સમાજના કેટલાક લોકોએ કરીનાની હાલમાં રિલીઝ થયેલી બુક ‘પ્રેગનન્સી બાઇબલ’ના ટાઇટલ પર વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રના બીડ શહેરમાં લોકોએ કરીનાની સાથે બે વધુ લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. ક્રિશ્ચિયન ગ્રુપે એ લોકો પર ભાવના દુભાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.
અલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન-મહાસંઘના અધ્યક્ષ આશિષ શિંદેએ બીજના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં કરીનાની બુકને લઈને ફરિયાદ નોંધાવી છે, જેમાં એક અન્ય લેખક પણ છે. શિંદેએ ફરિયાદમાં કરીના કપૂર અને અદિતિ શાહ ભીમજાની દ્વારા લિખિત અને પ્રકાશક જુગરનોટ બુક દ્વારા પ્રકાશિત બુકનું શીર્ષક ‘પ્રેગનન્સી બાઇબલ’નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું કે બુકના શીર્ષકમાં પવિત્ર શબ્દ બાઇબલનો ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. શિંદેએ અભિનેત્રી અને બે અન્ય લોકોની સામે IPCની કલમ 295-A (જાણીબૂજીને અને ઇરાદાપૂર્વક, જેનો ઉદ્દેશ કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને, તેના ધર્મ અથવા ધાર્મિક વિશ્વાસોનું અપમાન કરવાનું છે) હેઠળ મામલો નોંધવાની માગ કરી છે. એક પોલીસ અધિકારીએ ફરિયાદી મળવાની પુષ્ટિ કરી છે, પણ તેમણે કહ્યું હતું કે કોઈ FIR નથી નોંધવામાં આવ્યો.
શિવાજીનગર પોલીસ સ્ટેશનના ઇન-ચાર્જ ઇન્સ્પેક્ટર સાંઈનાથ થોમ્બ્રેએ કહ્યું હતું કે અમને ફરિયાદ મળી છે, પણ અહીં કોઈ કેસ નથી નોંધવામાં આવ્યો, કેમ કે ઘટના અહીં (બીડમાં) નથી થઈ છે. મેં તેમને મુંબઈમાં ફરિયાદ નોંધાવા માટે સલાહ આપી છે.
કરીનાએ નવ જુલાઈએ બુક લોન્ચ કરી હતી. એને ત્રીજું બાળક જણાવતાં 40 વર્ષીય એક્ટ્રેસીસે સોશિયલ મિડિયા પર પુસ્તકને પ્રમોટ કરવા માટે કેટલીય પોસ્ટ શેર કરી હતી.