રાજસ્થાનમાં વર્ષના 300 દિવસ ઊંઘતો ‘આજનો કુંભકર્ણ’

જયપુરઃ વિશ્વની દરેક વ્યક્તિ માટે ઊંઘ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિની ઊંઘ પૂરી ન થાય ત્યાં સુધી તે તાજગી નથી અનુભવતી. આમ પણ કહેવાય છે ઊંઘથી મોટું કોઈ સુખ નથી. આમે દરેક વ્યક્તિએ 24 કલાકમાં સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે, પણ રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક એવી વ્યક્તિ છે, જે વર્ષમાં 300 દિવસ સૂએ છે, જેને કારણે તે શખસને લોકો કુંભકર્ણ કહે છે.

નાગૌર જિલ્લાના ભાદવા ગામમાં રહેનાર 42 વર્ષીય પુરખારામ દુર્લભ બીમારીનો સામનો કરી રહ્યો છે. પુરખારામને જે બીમારીનો સામનો કરી રહ્યો છે, એને એક્સિસ હાયપરસોમનિયા કહેવાય છે. સામાન્ય વ્યક્તિ સામાન્ય રીતે છથી આઠ કલાક કે નવ કલાકની ઊંઘ લે છે, પરંતુ પુરખારામ એક વાર સૂઈ ગયા પછી સતત 20-25 દિવસ ઊંઘી શકે છે. મેડિકલ સ્ટડીઝ અનુસાર એક્સિસ હાઇપરસોમનિયા ત્યારે થાય છે, જ્યારે મગજમાં પ્રોટિનની વધઘટ થાય છે, જેને TNF-આલ્ફા કહેવામાં આવે છે.આ બીમારીની શરૂઆત 23 વર્ષ પહેલાં થઈ હતી- જ્યારે પુરખારામ આ દુર્લભ સિન્ડ્રોમ વિશે માલૂમ પડ્યું હતું. તેની આ આદતે તેની જીવનશૈલીને અસર કરી હતી. એક વાર તે ઊંઘી જાય તો તેને ઉઠાડવો મુશ્કેલ બની જાય છે. જોકે તેના પરિવારના સભ્યો તેના માટે દૈનિક કામ કરે છે, જેમાં તેને ઊંઘતી વખતે ભોજન કરાવવું અને નવડાવવાનું પણ સામેલ છે.

આ બીમારીને લીધે તે મહિનામાં પાંચ દિવસ ગામમાં કરિયાણાની નાની દુકાન ચલાવે છે. તે દુકાનમાં કામ કરતાં-કરતાં પણ ઊંઘી જાય છે. પ્રારંભમાં પુરખારામ 15 કલાક સૂતો હતો. તેના પરિવારે મેડિકલ મદદ માગી હતી, પણ તેની બીમારી ઠીક ન થઈ.