વડા પ્રધાનને હાઈ-પ્રોફાઈલ ડીફોલ્ટરોની યાદી મોકલી હતીઃ રઘુરામ રાજન

નવી દિલ્હી – ભારતીય રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદીય સમિતિને આપેલા પોતાના ઉત્તરમાં જણાવ્યું છે કે પોતે જ્યારે આરબીઆઈના ગવર્નર હતા ત્યારે દેશના હાઈ-પ્રોફાઈલ ડીફોલ્ટર વ્યક્તિઓની યાદી વડા પ્રધાનના કાર્યાલયને મોકલી હતી.

બેન્કોમાં NPA (નોન-પરફોર્મિંગ એસેટ્સ)ની વધી રહેલી સમસ્યાના મુદ્દે રાજને સંસદીય સમિતિને આ જવાબ આપ્યો છે.

રાજને કહ્યું કે હું જ્યારે ગવર્નર હતો ત્યારે આરબીઆઈમાં ફ્રોડ મોનિટરિંગ વિભાગની રચના કરવામાં આવી હતી. એની પાછળનો હેતુ તપાસ એજન્સીઓને છેતરપીંડીના કેસો અંગે વહેલી તકે માહિતી પૂરી પાડવાનો હતો. મેં પોતે વડા પ્રધાન કાર્યાલયને હાઈ-પ્રોફાઈલ કેસોની એક યાદી મોકલી હતી અને વિનંતી કરી હતી કે આપણે સંકલન કરીને પગલાં લઈએ જેથી ઓછામાં ઓછા એક કે બે જણને પકડી શકાય. હવે એ મોરચે શું પ્રગતિ થઈ એની મને ખબર નથી.

રાજને પોતાનો જવાબ અંદાજ સમિતિના ચેરમેન મુરલી મનોહર જોશીને મોકલી આપ્યો છે.

રાજને અગાઉ એવી કમેન્ટ કરી હતી કે મોટા ભાગની ગેરકાયદેસર લોન યુપીએના શાસન વખતે 2006 અને 2008 વચ્ચે આપવામાં આવી હતી.

જોકે રાજને ધીમી ગતિએ નિર્ણય લેવા બદલ કોંગ્રેસ-યુપીએ અને ભાજપ-એનડીએ, એમ બંને સરકારોને દોષી ગણાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]