રાધિકા આપ્ટેઃ ક્યારેક સેક્સી, ક્યારેક ડી-ગ્લેમ…

રાધિકા આપ્ટે એક એવી અભિનેત્રી છે જે બોલીવૂડમાં પોતાનું આગવું સ્થાન જમાવવામાં સફળ થઈ છે. આ અભિનેત્રીની ગણના તમે દીપિકા પદુકોણ જેવી કમર્શિયલ અને નંદિતા દાસ જેવી આર્ટ મૂવી અભિનેત્રીની વચ્ચેની કક્ષામાં કરી શકો.

રાધિકા ફિલ્મની પસંદગી વિશે જે વલણ ધરાવે છે એનાથી ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો પ્રભાવિત થયા છે.

રાધિકા આપ્ટે 2015માં ટૂંકી ફિલ્મ ‘અહલ્યા’થી સૌનાં ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ અક્ષય કુમાર સાથેની ‘પેડમેન’ ફિલ્મે રાધિકાને નવી ઊંચાઈ પર મૂકી દીધી.

અન્ય સુંદર-દેખાવડી અભિનેત્રીઓની સરખામણીમાં રાધિકા એનાં અનકન્વેન્શનલ લૂકને કારણે અલગ તરી આવે છે, પણ એને પોતાની તુલના નંદિતા દાસ સાથે કરવામાં આવે એ પસંદ નથી. એ કહે છે, તમારું ચરિત્ર દર્શકો સાથે તમને કનેક્ટ કરે છે, તમારો લૂક નહીં.

રાધિકાનાં અમુક વિચારો નોંધવા જેવા છેઃ

  • હું ક્યારેક સેક્સી દેખાઉં, ક્યારેક ડી-ગ્લેમ… હું એની કોઈ પરવા કરતી નથી. તમારે તમારું કામ કરી બતાડવાનું હોય છે.
  • કેટલાક લોકો ‘બોલ્ડ’ શબ્દને જાતીય સંદર્ભમાં ઉચ્ચારતાં હોય છે, પરંતુ મારાં મતે બોલ્ડ એટલે એવી સ્ત્રી જે સ્વતંત્ર રીતે જીવન જીવતી હોય અને હંમેશાં કંઈક નવું કરવાને તત્પર હોય. બોલ્ડનેસ એટલે હિંમત. તમારે એને પોઝિટીવ અર્થમાં લેવું જોઈએ. પરંતુ આપણા સમાજમાં આ શબ્દને નેગેટિવ રીતે લેવામાં આવે છે.
  • તમારે ના પાડતાં શીખવું જોઈએ. એવી જ રીતે, કોઈ તમારું શોષણ કરનાર વ્યક્તિને પણ તમારે ઓળખી લેવી જોઈએ. તમારામાં ટેલેન્ટ હશે તો તમને એનું વળતર મળશે જ.
  • હું કોઈ લેબલ (છાપ)માં માનતી નથી. જેવી તમે કોઈ એક લેબલથી દૂર ભાગવાની કોશિશ કરો તો લોકો તમને કોઈક બીજું લેબલ લગાડવાનો પ્રયત્ન કરે.
  • કોઈના રૂપ-રંગની મજાક કરવી યોગ્ય નથી. એવી મજાક પર કોઈએ હસવું પણ ન જોઈએ.
  • સમાજ તમારી પર દબાણ વધારવાનો પ્રયત્ન કરે, જો તમે એ દબાણને વશ થઈ જાવ તો તમારે માટે સારું ન કહેવાય. હું એવા બાહ્ય પરિબળો પર ધ્યાન આપતી નથી.
  • મને કોઈ બ્લોકબસ્ટર કમર્શિયલ ફિલ્મની ઓફર આવશે તો હું એનો પણ સ્વીકાર કરીશ. ફિલ્મ ઉદ્યોગમાં તીવ્ર હરીફાઈ છે અને પ્રત્યેક દિવસ તમારે ટકી રહેવું પડે છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]