કઇ ખાસ વાતો કહી મોદીએ એમના સંબોધનમાં?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું  તમસો મા જ્યોર્તિગમય.

પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો

  • કોરોના વૈશ્વિક મહામારી દરમ્યાન દેશવ્યાપી લોકડાઉનનો આજે નવમો દિવસ છે. આ દરમિયાન તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.
  • તમે જે રીતે 22 માર્ચના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે. આજે તમામ દેશો માટે એ એક મિસાલ બની ગયું છે. આજે અનેક દેશો એનું અનુકરણ કરી રહ્યા છે.
  • દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું. હજુ અમુક દિવસો પસાર કરવાના છે. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.
  • આપણે એવી માન્યતા છે કે જનતા જનાર્દન ભગવાનનું જ સ્વરૂપ છે. એટલા માટે જ્યારે દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યો હોય તો આવી લડાઈમાં વારંવાર જનતારૂપી મહાશક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવું જોઈએ.
  • આપણે પ્રકાશ તરફ જવાનું છે. જે આ કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે, આપણા ગરીબ ભાઈ બહેન તેમને કોરોના સંકટથી ઉત્પન થયેલી નિરાશાથી આશા તરફ લઈ જવાની છે.
  • આ કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા ઉભી થઈ છે, તેને સમાપ્ત કરીને આપણે પ્રકાશ અને નિશ્ચિતતા તરફ આગળ વધવાનું છે. આપણે ચોતરફ પ્રકાશ ફેલાવવાનો છે.
  • 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિને ઉજાગર કરવાની છે. એ પ્રકાશમાં, એ રોશનીમાં, એ ઉજાશમાં આપણે મનમાં એ સંકલ્પ કરીએ કે, આપણે એકલા નથી, કોઈ પણ એકલા નથી. 130 કરોડ દેશવાસીઓ એક જ સંકલ્પ સાથે કૃતસંકલ્પ છે.
  • આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]