કોરોના તેરે કારણ… 3 જૂની, 3 નવી, 3 અનોખી બાબતો

મય કેવો બદલાય છે તેવી ફિલસૂફી વડિલો પાસેથી સાંભળતા ત્યારે ભરોસા ના કરતા. સમય ક્ષણ ક્ષણમાં પસાર થાય છે અને ક્ષણ અત્યંત સુક્ષ્મ છે એટલે દેખાતી નથી. કોરોના વાયરસ કરતાંય સુક્ષ્મ. બહુ લાંબો પસાર થાય ત્યારે લાગે કે ઘણું બદલાઇ ગયું. ટપાલથી ફોન, ફોનથી પીસીઓ, પીસીઓથી પેજર સુધી પહોંચતા બહુ વાર લાગેલી. પેજર પછી મોબાઇલ થોડો જલદી આવ્યો અને મોબાઇલથી સ્માર્ટફોન પણ પ્રમાણમાં ઝડપથી આવ્યો. પેઢી બદલાયા પહેલાં આ પરિવર્તને જોવા મળ્યું.

કોરોના તેરે કારણ… કોરોનાને કારણે ઘણા બધા લોકોની કલાત્મક, રચનાત્મક, સર્જનાત્મક બાબતો બહુ ઝડપથી ખીલી. કળીમાંથી ફૂલ ખીલે તેનો ખ્યાલ આવતો નથી, પણ તેનો ટાઇમલેપ્સ વીડિયો જોવા મળે ત્યારે ભારે અચરજ થાય છે. એવી જ રીતે કોરોના તેરે કારણ… કોરોનાને કારણે જે કંઈ થયું તે બહુ જ અલગ, અપૂર્વ, અભૂતપૂર્વ, અનોખું નથી, પણ તોય જુદું તો છે જ. અચાનક આવી પડ્યું એટલે અનોખું લાગે છે અને પેલી કહેવત સાચી પાડે છે કે કલ્પના કરતાંય વાસ્તવિકતા વધારે ચોંકાવનારી હોય છે. આમાંની કેટલીક બાબતોને જોઈએ… ત્રણ ત્રણ જોઈએ – 3 જૂની, 3 નવી, 3 અનોખી બાબતો. યાદી તમે લંબાવી શકો છો. લંબાવો જ વળી, નવરા બેઠા છો તો…

રામાયણ અને સન્નાટો
રામાયણ સિરિયલ શરૂ થાય તે સાથે જ રસ્તા પર જનતા કરફ્યૂ લાગતો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાચો શબ્દ નથી, સાચો શબ્દ ફિઝિકલ ડિસ્ટન્સિંગ છે, પણ અત્યારે આપણને સોશ્યલ શબ્દ ઉપયોગી છે એટલે રાખીએ. સામાજિક સંપર્કો ઓછા કરવા માટેની સૌને સલાહ આજે આપીએ છીએ, ત્યારે ઉલટું થતું હતું. સામાજિક સંબંધો સુધરી ગયા હતા, પડોશી સાથે નાતો નવીન અને તાજો થઈ ગયો હતો. સૌના ઘરે ટીવી નહોતા. રંગીન ટીવી તેનાથીય ઓછા હતા. એટલે જેમની પાસે રંગીન અને સારું ટીવી હોય તેમને ત્યાં રામાયણ જોવા સૌ ભેગા થતા હતા. રામાયણ શરૂ થવાની હોય તેની થોડી વાર પહેલાં હલચલ ચાલે, પણ પછી રસ્તાઓ પર ચહલપહલ થંભી જાય. આજે પણ સન્નાટો છે, ચહલપહલ થંભી ગયેલી છે અને ટીવી પર રામાયણ ચાલી રહી છે. ફરક એટલો કે સૌને ઘરે ટીવી છે. ફરક એટલો કે સૌ સાથે બેસીને જોતા નથી. ઘણા પોતાની રીતે સ્માર્ટ ફોન પર જોઈ લે છે.

સ્વચ્છ હવા
આકાશ આટલું ચોખ્ખું ક્યારેક લાગતું હતું? નિલા આસમા… એવા ગીતમાં જેવો રંગ ગવાયો હોય તેવા રંગનું સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. આકાશ જોવાની ટેવ જતી રહી હતી. જોતા ત્યારે ભૂખરું લાગતું અને કંઈક ખૂટતું લાગતું. મહાનગરોના આકાશ સ્વચ્છ થઈ ગયા છે, કેમ કે ધૂમાડો ઓકતા વાહનો અટકી પડ્યા છે. ધૂમાડા ઓકતા ઉદ્યોગો અને ભઠ્ઠા અટકી પડ્યા છે.

હવામાં રજકણોનું પ્રમાણ પણ ચારગણું ઘટી ગયું છે. સેટેલાઇટના પિક્ચર્સ – પહેલા અને પછી એવી રીતે અપાયેલા ચિત્રો જોજો, ખ્યાલ આવશે કે કેટલું વાયુ પ્રદૂષણ હોય છે. સમય પસાર કરવા માટે તમે જાતે જ મહાનગરોમાં કેટલું વાયુ પ્રદૂષણ ઓછું થયું તેના આંકડાં અને તેની તસવીરો અને ગ્રાફ શોધો. તેને તમારી રીતે નવેસરથી સજાવીને મેસેજ મૂકો કે આટલી સ્વચ્છ હવા ભાવી પેઢીને આપી જવા ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઉર્જા તરફ વળવું પડશે. એકદમ ઝડપથી.

વતન, ગામડું, કુટુંબ, સંબંધો, પદયાત્રા
આ બધું ભૂલાઈ ગયું છે એવું સાવ નથી, પણ બહુ તીવ્રપણે તે સ્પષ્ટ થઈ ગયું. લાંબો સમયથી શહેરમાં વસી ગયા પછી વતનમાં જતા રહેવાનું મન ઓછું પણ થવા લાગ્યું હશે. આ વખતે અમીર, ગરીબ સૌને લાગ્યું કે જતા રહીએ ગામડે. સંયુક્ત કુટુંબ વચ્ચે, સગાઓના ઘર વધારે હોય ત્યાં જઈએ એવું ઘણાને લાગ્યું. રસ્તા પર ગરીબોને પદયાત્રા કરતાં જોયા. તેના કારણે ફરી એ વક્રતા પણ પ્રગટી કે આપત્તિ આવે ત્યારે ભોગ ગરીબોનો જ લેવાય છે. દુકાળ પડતો ત્યારે દુકાળિયા શહેરો તરફ નીકળી પડતા. આજેય રોજી માટે શહેરો તરફ નીકળી પડવું પડશે, પણ આ વખતે ત્યાંથી જ ભાગવું પડ્યું.

ઘરમાં જ કેદ
આ નવી વાત થઈ. આપત્તિ આવી અને સૌએ ઘરમાં કેદ થઈ જવું પડ્યું. મોટા ભાગની આપદામાં લોકોએ ઘરથી ભાગવું પડે કે ઘર જ પડી ભાંગે. પૂર આવે, વાવાઝોડું આવે, ધરતીકંપ આવે, રમખાણો અને યુદ્ધ જેવી માનવસર્જિત આપત્તિ આવે ત્યારે જ ઘર છોડીને ભાગવું પડે. આવી આપત્તિમાં ઘરવિહોણા થઈ જવું પડે અને ઘર હોય તોય છોડીને એક જગ્યાએ એકઠા થઈને છાવણીમાં રહેવું પડે. આ વખતે તદ્દન નવું જોવા મળ્યું કે આપત્તિમાં પોતાના ઘરમાં જ કેદ થઈ જઈએ એટલે સલામત થઈ જઈએ.

વાયરસનો ભેદભાવ
વાયરસ અને મહામારી મોટા ભાગે ભેદભાવ કરતી નથી એવું ભૂતકાળમાં જોવા મળ્યું છે. કોઈને પણ ચેપ લાગી શકે. ક્યાંથી લાગશે તે સ્પષ્ટ ના હોય. જેને લાગે તે મુશ્કેલીમાં આવી જાય. આ વખતે આવેલો કોરોના નોવેલ-2 વાયરસ ભેદભાવ લઈને આવ્યો. માંસાહારી કરતાં શાકાહારીને ચેપ લાગવાની શક્યતા ઓછી, યુવાન કરતાં બાળક અને વૃદ્ધોને ચેપ જોખમી બનવાની શક્યતા વધુ, સ્ત્રી કરતાં પુરુષોનો જીવ જવાની શક્યતા વધારે (વૃદ્ધોમાં પણ સ્ત્રી કરતાં પુરુષોમાં મૃત્યુ વધારે છે – એક રસપ્રદ કારણ નિષ્ણાતો એ જોઈ રહ્યા છે કે સ્ત્રીઓને આમ પણ વારંવાર હાથ ધોવાની ટેવ હોય છે કે હાથ ધોવા પડતા હોય છે), ગરીબ કરતાં અમીરને, વિદેશથી આવેલા અને ક્લબમાં ફરતા લોકોને, પાર્ટીઓ કરતાં લોકોને ચેપનું જોખમ વધારે, હવામાંથી ચેપ ઓછો લાગે, પણ કોઈની નજીક ગયા અને વારંવાર હાથ ધોયા વિના હાથને ચહેરા પર અડાડ્યો તો ચેપ લાગે તે પણ નવું.

આ નવી બાબતોની સાથે જ જોડાયેલી છે કે કેટલીક અનોખી બાબતો

આધુનિક દેશોમાં વધારે મુશ્કેલી
ઈરાન અને ઇટાલીમાં પ્રારંભમાં સ્થિતિ સરખી ગંભીર હતી, પણ સમય વીતવા સાથે ઈરાન કરતાંય ઇટાલીની સ્થિતિ કપરી થઈ ગઈ. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ચીન સાથે બાખડવામાં અને કોરોના નોવેલ-2 વાયરસને ચાઇનીઝ વાયરસ કહીને ધિક્કાર ફેલાવવાનું કામ કરતાં રહ્યા, ત્યારે તેમના દેશમાં જ વાયરસ ફરી વળ્યો. શરૂઆત ભલે ચીનમાં થઈ, પણ ચીન કરતાંય અત્યારે અમેરિકાના આંકડાં ક્યાંના ક્યાંય આગળ નીકળી ગયા છે. યુરોપમાં સ્પેન, યુકે, ફ્રાન્સમાં પણ મુશ્કેલી થઈ છે. ગીચ વસતિ હોવા છતાં ભારતમાં હજી આંકડાં કાબૂમાં છે, પણ અહીં થોડો મોડો વાયરસ આવ્યો છે તેથી આંકડાં સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોઈએ.

સામાજિક મોભામાં ફેરફાર
વિમાની કંપનીમાં નોકરી કરવી, પાઇલટ, એરહોસ્ટેસ હોઉં, વિદેશ આવાગમન કરનારા કન્સલ્ટન્ટ હોઉં, રોજ વિમાનમાં ફરનારા પ્રોફેશનલ અને સેલિબ્રિટી હોઉં, કમાણી કરી આપતા વિદેશી મહેમાન હોઉં, સંતાનો વિદેશમાં ભણતા હોય આવી બધી પ્રતિષ્ઠાની વાત ગણાતી. તેમના તરફ સૌ અહોભાવથી જોતા. અત્યારે સૌ કેવી રીતે તેમની સામે જુએ છે? ખોટી રીત છે, આવું ના કરાય, પણ વિપરિત કાળે વિપરિત બુદ્ધિ – આપણે ક્યારેક ગરીબો અને પછાતોને સમસ્યાનું મૂળ ગણીએ, ક્યારેય અમીરોના શોષણને જવાબદાર ગણીએ, ક્યારેય મધ્યમ વર્ગના સ્વાર્થીપણાને દોષ દઈએ. સરવાળે બધું સરખું જ છે ભાઈ…

સરવાળે બધું સરખું, સમાન, સમાંતર, સમતોલ હોવા છતાં જિંદગીના રંગ બદલાતા રહે છે તેમાં જ મજા છે. એક જ સફેદ રંગનું કિરણ સાત રંગો સમાવીને બેઠું હોય છે તે વિજ્ઞાન પ્રયોગથી સમજાવે છે, ત્યારે ચિંતનથી કવિઓ એવું કહી ગયા છે –
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે
અખિલ બ્રહ્માંડ એક તું શ્રીહરિ..
અખિલ બ્રહ્માંડમાં બધું એકસમાન હોય છે અને છતાં નિતનવીન લાગે છે, પણ કોરોના તેરે કારણ… ત્રીજું નવીન શું જોવા મળ્યું તે હવે તમે જ વિચારો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]