જયપુર – રાજસ્થાનમાં 200 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે આ વર્ષની 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને 11 ડિસેમ્બરે મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.
રાજસ્થાનમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વસુંધરા રાજે રાજ્યનાં મુખ્ય પ્રધાન છે.
રાજ્યમાં ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના પ્રમુખ અમિત શાહ રાજસ્થાનના પ્રવાસે આવશે. એમનો પ્રવાસ 12 દિવસનો રહેશે, જેનો આરંભ 23 નવેમ્બરથી થશે.
રોકાણ દરમિયાન ભાજપના બંને મહારાથીઓ રાજસ્થાનભરના જુદા જુદા જિલ્લાઓમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
રાજસ્થાનમાં ઉમેદવારીની પ્રક્રિયા 12 નવેમ્બરથી શરૂ થશે. 22 નવેમ્બરે ચૂંટણી પંચ ઉમેદવારોની આખરી યાદી બહાર પાડશે.
વડા પ્રધાન મોદી અને અમિત શાહ ચોથી ડિસેમ્બર સુધી રાજસ્થાનમાં ચૂંટણી સભાઓ ગજાવશે.
12-દિવસના રોકાણ દરમિયાન મોદી 10 જાહેર સભાઓને સંબોધિત કરશે. એમની પહેલી રેલી 23 નવેમ્બરે અલવર જિલ્લામાં યોજાશે. ત્યારબાદ જયપુર, ભિલવાડા, નાગૌર, કોટા, ડુંગરપુર, ડૌસા, હનુમાનગઢ, સિકર, જોધપુર જિલ્લાઓમાં જશે.
અમિત શાહ 15 જાહેર સભાઓને સંબોધિત કરશે. તેઓ દરરોજ બેથી ત્રણ જાહેર સભા યોજશે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજસ્થાનમાં ગઈ વેળાની વિધાનસભા ચૂંટણી વખતે મોદીએ 12 જાહેર સભાઓને સંબોધિત કરી હતી. આ વખતે રાજસ્થાન ઉપરાંત છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણી પણ રાજ્યની મુલાકાતે આવશે.