વાઘણ અવનિને ઠાર મારવાનો વિવાદઃ મહારાષ્ટ્ર સરકારે તપાસ સમિતિની રચના કરી

મુંબઈ – મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના જંગલમાં નરભક્ષી વાઘણ અવનિ અથવા T1ને ઠાર મારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે ત્યારે રાજ્યના વન મંત્રાલયે વાઘણને મારવાની ઘટનામાં તપાસ કરવા સમિતિની રચના કરી છે.

તપાસ સમિતિ એ ચેક કરશે કે વાઘણને મારી નાખવા માટે તમામ ધારાધોરણો, આદેશોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

અવનિ વાઘણને ગઈ 2 નવેમ્બરે બોરાતી જંગલમાં ઠાર મારવામાં આવી હતી. વન વિભાગે એને મારી નાખવા માટે હૈદરાબાદનિવાસી ખાનગી શાર્પ શૂટર અસગર અલી મદદ લીધી હતી.

ભારતમાં વાઘ પ્રાણીને બચાવવા માટે રચાયેલી સંસ્થા NTCA દ્વારા પણ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

ઠાર કરાયેલી વાઘણ અવનિએ 4-5 દિવસથી કંઈ ખાધું નહોતું

દરમિયાન, પ્રાથમિક નેક્રોપ્સી રિપોર્ટમાં એવી જાણકારી આપવામાં આવી છે કે, અવનિ વાઘણનું મૃત્યુ વધુપડતા આંતરિક હેમરેજને કારણે તથા હૃદય તથા શ્વસનક્રિયા બંધ થઈ જવાને કારણે થયું હતું. એના પેટ તથા આંતરડામાં પ્રવાહી અને ગેસનો ભરાવો જોવા મળ્યો હતો જેના પરથી એવું માલુમ થયું છે કે એણે 4-5 દિવસથી કંઈ ખાધું નહોતું.

 

અવનિ વાઘણ નરભક્ષી બની ગઈ હતી અને મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના પાંઢરકવડા જંગલ વિસ્તારમાં બે વર્ષમાં 14 જણને ખાઈ ગઈ હોવાનું કહેવાય છે. એને ગયા શુક્રવારે જિલ્લાના બોરાતી જંગલમાં ઠાર મારવામાં આવી હતી.

અનેક સંસ્થાઓના પશુચિકિત્સકોએ વાઘણના મૃત શરીરનું પરીક્ષણ કર્યું છે. એમને એવું પણ માલુમ પડ્યું છે કે 119 કિલો વજનની વાઘણને મારવા માટે વપરાયેલી કારતૂસના બે મોટા ભાગનું પણ અવલોકન કરવામાં આવ્યું છે, પણ એવું જણાયું છે કે વાઘણનું મૃત્યુ વધુપડતા આંતરિક હેમરેજ અને હૃદય તથા શ્વાસની ક્રિયા બંધ થવાને કારણે થયું હતું.

વન્યવિભાગના એક નિષ્ણાતે આ વિશે સમજાવતાં કહ્યું કે વાઘણના પેટ અને આંતરડામાં રહેલા પ્રવાહી અને ગેસનું પરીક્ષણ કરાતા માલુમ પડ્યું છે કે વાઘણે છેલ્લા આશરે 4-5 દિવસથી કંઈ ખાધું નહોતું અથવા કોઈ શિકાર કર્યો નહોતો. જોકે એવુંય મનાય છે કે વાઘ પ્રાણીઓ એક જ દિવસમાં 25-30 કિલો માંસ ખાઈ લે એ પછી સાત-સાત દિવસ સુધી કંઈ ખાતા નથી.

નેક્રોપ્સી રિપોર્ટમાં જણાવાયું છે કે વાઘણના શરીર પર ડાબા ભાગમાં 0.5 ડાયામીટરની ત્વચા પર જે ગોળાકાર ઊંડો જખમ જોવા મળ્યો છે તે બંદૂકની ગોળીનું નિશાન છે. ગોળી વાઘણની ચેસ્ટની ડાબી બાજુએથી મારવામાં આવી હતી અને તે એનાં ખભાનાં હાડકાને અથડાઈ હતી અને એનાં ફેફસાંમાં કાણું કરી નાખ્યું હતું.

એવું પણ જાણવા મળ્યું છે કે અવનિને ઠાર કરતા પહેલાં એને ઈન્જેક્શન મારીને બેશુદ્ધ કરવામાં આવી નહોતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]