160 ત્રાસવાદીઓ સરહદ ઓળંગી ભારતમાં ઘૂસવાની તૈયારીમાં હોવાનો દાવો

નવી દિલ્હી – ભારતીય સેનાનાં લેફ્ટેનન્ટ જનરલ પરમજીત સિંહનો દાવો છે કે 160થી વધુ ત્રાસવાદીઓ ભારતમાં ઘૂસવાની તક મળે એ માટે નિયંત્રણ રેખાની પેલે પાર રાહ જોઈ રહ્યા છે.

લેફ્ટેનન્ટ જનરલ સિંહ, જે હાલ નાગ્રોટાસ્થિત 26-કોર્પ્સ ગ્રુપ અથવા વ્હાઈટ નાઈટ કોર્પ્સના જનરલ કમાન્ડિંગ ઓફિસર છે, એમણે કહ્યું છે કે પાકિસ્તાન એનો ઈરાદો બદલે તો જ સરહદ પારથી ત્રાસવાદનો અંત આવે.

લેફ્ટેનન્ટ જનરલ સિંહે જોકે ખાતરી આપી છે કે ઘૂસણખોરોને ભારતમાં રોકવા માટે ભારતીય લશ્કર એકદમ સજ્જ છે.

લેફ્ટેનન્ટ જનરલ સિંહે વધુમાં કહ્યું કે, અમને માહિતી મળી છે કે 160 જેટલા ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં જુદા જુદા લોકેશન પર છે અને ભારતમાં ઘૂસવાની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ત્રાસવાદનું માળખું હજી પણ યથાવત્ છે. પાકિસ્તાનનો ઈરાદો હજી પણ બદલાયો નથી. ભારતમાં ઘૂસણખોરી તથા ત્રાસવાદી હુમલાઓનું આયોજન કરવામાં પાકિસ્તાન લશ્કર અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI મળીને કામ કરે છે.

લેફ્ટેનન્ટ જનરલ સિંહ આ પહેલાં જમ્મુ અને કશ્મીરના ત્રણેય પ્રદેશમાં ફરજ બજાવી ચૂક્યા છે.