વડાપ્રધાને ભારતીય-નૌકાદળને નવો ધ્વજ પ્રદાન કર્યો ‘નિશાન’

કોચીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં કોચીન શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા જહાજ ‘આઈએનએસ વિક્રાંત’નું જલાવતરણ કર્યું હતું અને ભારતીય નૌકાદળને નવો ધ્વજ (પ્રતીક કે વાવટો) ‘નિશાન’ પણ પ્રદાન કરાવ્યો છે. આ ધ્વજ કે ઈન્ડિયન નેવલ એન્સાઈન પ્રદાન થવા સાથે જ નૌકાદળે બ્રિટિશ વસાહતીના ભૂતકાળને સમાપ્ત કરી દીધો છે અને ભારતના સમૃદ્ધ સામુદ્રિક વારસાને અપનાવ્યો છે. આ પ્રતીક અથવા ધ્વજ (ઝંડો) દરેક ભારતીય જહાજ પર મૂકવામાં આવે છે.

આ પૂર્વેના ભારતીય નૌકાદળના ધ્વજમાં સેન્ટ જ્યોર્જના ક્રોસ (સફેદ બેકગ્રાઉન્ડ સાથે એક રેડ ક્રોસ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્રોસને એક ખૂણે ભારતીય ધ્વજ મૂકવામાં આવ્યો હતો. ભારતે આઝાદી પ્રાપ્ત કરી તે પછી બ્રિટનના યૂનિયન જેક ધ્વજને સ્થાને ભારતીય તિરંગો મૂકવામાં આવ્યો હતો. ભારતે આઝાદી પ્રાપ્ત કર્યા પછી ભારતીય નૌકાદળે તેના ધ્વજમાં અનેક વાર ફેરફારો કર્યા છે. 2001માં સેન્ટ જ્યોર્જ ક્રોસને હટાવીને ભારતીય નૌકાદળના પ્રતીક ચિન્હને એની સામેના ખૂણા પર મૂકવામાં આવ્યું હતું. પરંતુ 2004માં ક્રોસને ફરી એની જગ્યાએ મૂકવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદીએ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કંપની દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ ઝુંબેશ અંતર્ગત સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલા વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને દેશસેવામાં સમર્પિત કરાવ્યું હતું. આ જહાજને તેના પૂરોગામી જહાજનું જ નામ આપવામાં આવ્યું છે. વિક્રાંત વિમાનવાહક જહાજે 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિક્રાંત જહાજ સામેલ થવાથી સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાત વધી જશે, સમુદ્રી ક્ષેત્રમાં ભારતની સુરક્ષા વધારે મજબૂત થશે. વિક્રાંત જહાજ પર 14 ડેક (તૂતક) છે, 2,300 કમ્પાર્ટમેન્ટ્સ છે, જેમાં આશરે 15,000 નૌસૈનિકો રહી શકશે. એમની જમવાની વ્યવસ્થા માટે વિશાળ કિચન બનાવવામાં આવ્યું છે, જેમાં 10 હજારથી વધારે ચપાતી કે રોટી બનાવી શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]