લોકડાઉનમાં પીએમ મોદી યોગા કરીને પોતાની ફિટનેસ સંભાળે છે

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો રોગચાળો આખા દેશમાં અને વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો છે અને ભારતમાં તો સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 24 માર્ચે જાહેરાત કરી હતી કે 25 માર્ચથી સમગ્ર ભારતમાં લોકડાઉન નિયમ લાગુ થશે. દરેક જણે પોતપોતાના ઘરમાં જ રહેવું પડશે અને આ નિયમ એમને પોતાને પણ લાગુ પડશે.

હવે જ્યારે પીએમ મોદી પણ સ્ટે-એટ-હોમ છે ત્યારે એ પોતે એમની તંદુરસ્તી કેવી રીતે સંભાળે છે એ જાણવાની ઘણાને ઉત્સુક્તા હતી.

એક ઈન્ટરનેટ યુઝરે સવાલ પૂછ્યા બાદ મોદીએ એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોતાના યોગા વિડિયો શેર કર્યા છે જેમાં એમને પોતાનું ફિટનેસ રૂટિન સંભાળતા જોઈ શકાય છે.

યોગા વિડિયો શેર કરતાં મોદીએ કહ્યું કે, રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કોઈકે મને લોકડાઉનના સમયમાં મારા ફિટનેસ રૂટિન વિશે પૂછ્યું હતું. તેથી મને લાગ્યું આ યોગા વિડિયો હું આપની સાથે શેર કરું. મને આશા છે કે તમે પણ નિયમિત રીતે યોગ કરશો.

મોદીએ વધુમાં કહ્યું કે હું કોઈ ફિટનેસ એક્સપર્ટ નથી કે કોઈ મેડિકલ એક્સપર્ટ પણ નથી. યોગ કરવા એ ઘણા વર્ષોથી મારા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયું છે અને મને એનાથી ઘણો ફાયદો થયો છે. મને ખાતરી છે કે તમારામાંના ઘણા લોકો પણ તંદુરસ્ત રહેવા માટે બીજી ઘણી રીત અપનાવતા હશો. તો તમારે પણ અન્ય લોકો માટે એ શેર કરવા જોઈએ.

વડા પ્રધાને એમ પણ કહ્યું કે, યોગ વિડિયો જુદી જુદી ભાષાઓમાં ઉપલબ્ધ છે. એક નજર કરજો. હેપ્પી યોગા પ્રેક્ટિસિંગ.