મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં મોદીએ કહી આ વાત…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઇ હતી. કોન્ફરન્સિંગમાં મોટાભાગના રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું.

વીડિયો કોન્ફરન્સિંગમાં મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હું 24 કલાક ઉપલબ્ધ છું, કોઈ પણ મુખ્યમંત્રી ગમે ત્યારે કોરોનાની સ્થિતિ પર મારી સાથે વાત કરી શકે છે અને મને સૂચન આપી શકે છે. આ કોન્ફરન્સિંગમાં અમરિંદરસિંહ (પંજાબ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), કે ચંદ્રશેખર રાવ (તેલંગાણા) અને નીતીશ કુમાર (બિહાર) સહિતના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ શામેલ હતા. લોકડાઉન લંબાવવા અંગેની ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકે છે.

કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીનેકહ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધોછે. અત્યારે ભારતની પરિસ્થિતિ અન્ય દેશો કરતા એટલા માટે સારી છે કારણ કે આપણે લોકડાઉન સમયસર કર્યું. જો અત્યારે લોકડાઉન ખોલવામાં આવશે તો બધું ગુમાવી દઇશું. હવે આ મુદ્દે વડાપ્રધાન ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ આવતીકાલ સુધી નિર્ણય જાહેર કરી શકે છે.

કેન્દ્ર સરકાર લોકડાઉનમાં કેટલાક ફેરફાર કરી શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન કેટલાક ફેરફારો સાથે આગળ વધવાની ધારણા છે. રાજ્યોમાં આવશ્યક સેવાઓ સિવાય પ્રતિબંધો ચાલુ રહેશે. શાળા-કોલેજો અને ધર્મસ્થાનો પણ બંધ રહેવાની સંભાવના છે. લોકડાઉનને કારણે, દેશના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે, કેટલાક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગને વળગી રહેવાની શરતે લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે પોતાના અહેવાલમાં કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી. લોકડાઉનથી વિમાન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે, પરંતુ તેઓએ તમામ વર્ગોમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]