નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટાર્ગેટ નક્કી કર્યો છે કે આ વર્ષના જૂન સુધીમાં દેશના તમામ રાજ્યોમાં ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન પહોંચવી જોઈએ. તદુપરાંત, ‘વંદે મેટ્રો’ ટ્રેન સેવાની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી રહી છે, જે 100 કિલોમીટરથી ઓછા અંતર માટે હશે અને દરરોજ ટ્રેન પ્રવાસ કરનારાઓની સગવડતા માટે હશે. આ જાણકારી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી છે.
વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના હાવડા વચ્ચે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ઓડિશા રાજ્યની આ પહેલી ‘વંદે ભારત’ ટ્રેન છે. વૈષ્ણવનું કહેવું છે કે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક સ્થળેથી બીજા સ્થળે દોડે છે ત્યારે ભારતની સ્પીડ અને પ્રગતિનાં દર્શન થાય છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે આ ગતિ હવે ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પણ જોવા મળશે.