ભારતે મોટું દિલ બતાવ્યું! હિંદ મહાસાગરમાં ડૂબ્યું ચીનનું જહાજ, લોકોને બચાવવા આગળ આવ્યું નેવી

ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં 38 ક્રૂ સભ્યો સાથે ડૂબી ગયેલા ચીની જહાજની શોધ અને બચાવમાં મદદ કરવા માટે તેનું એક P-81 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ તૈનાત કર્યું છે. નેવીએ કહ્યું કે બુધવારેના રોજ ખરાબ હવામાન હોવા છતાં, P-81 એરક્રાફ્ટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ડૂબી ગયેલા જહાજ સાથે સંબંધિત હોઈ શકે તેવી ઘણી વસ્તુઓ શોધી કાઢી હતી. નેવીએ કહ્યું કે 17 મેના રોજ, ચીનના માછીમારી જહાજ લુ પેંગ યુઆન 028 ના ડૂબી જવાના સમાચાર મળ્યા પછી, ભારતીય નૌકાદળે તાત્કાલિક કાર્યવાહી કરી અને લગભગ 900 નોટિકલ માઇલ દૂર દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેના જાસૂસી વિમાન તૈનાત કર્યા. ડૂબી ગયેલા ચાઈનીઝ જહાજના ક્રૂ મેમ્બર્સમાં ચીન, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના નાગરિકો સામેલ છે.


ભારતે ચીનને મદદ કરી

ભારતીય નૌકાદળે કહ્યું કે પીએલએ (નૌકાદળ) ની વિનંતીના તાત્કાલિક પ્રતિભાવ તરીકે, ભારતીય નૌકાદળે ઘટનાસ્થળે શોધ અને બચાવ સાધનો તૈનાત કર્યા. ભારતીય નૌકાદળના એકમોએ પ્રદેશના અન્ય એકમો સાથે શોધ અને બચાવ પ્રયાસોનું સંકલન કર્યું અને PLA નેવીના યુદ્ધ જહાજોને સ્થળ પર માર્ગદર્શન આપ્યું, સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ભારતની જવાબદારી પૂરી કરી.

ઓસ્ટ્રેલિયાએ પણ મદદ કરી હતી

પૂર્વી લદ્દાખમાં સરહદ પર ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ભારતીય નૌસેનાએ ચીનની મદદ કરી છે. નેવીએ કહ્યું કે ભારતીય નૌકાદળ શોધ અને બચાવના પ્રયાસોમાં શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈનાત છે. ઓસ્ટ્રેલિયાએ પણ શોધ અને બચાવ કાર્યમાં મદદ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બીજિંગમાં કહ્યું કે અમને આશા છે કે પડોશી દેશો ચીન સાથે સંયુક્ત શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખશે અને જીવ બચાવવાની આશા છોડશે નહીં.