PM મોદીએ તેજસ વિમાનમાં ભરી ઉડાન

બેંગલુરુઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ત્યાર બાદ તેમણે બેંગલુરુમાં સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. આ એક ઐતિહાસિક તક હતી. આ ઉડાનનો અનુભવ શેર કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે તેમણે તેજસ પર સફળતાપૂર્વક ઉડાન પૂરી કરી છે અને આ અનુભવ અવિશ્વસનીય રહ્યો હતો.  

તેઓ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર મૂકી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે ભારતીય એરફોર્સ, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને આ ક્ષણ બદલ ખૂબ ખૂબ અભિનંદન. વડા પ્રધાન મોદીએ 45 મિનિટ સુધી લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી.

તેજસની વિશેષતાઓ

તેજસ ભારતીય કંપની નિર્મિત સ્વદેશી કોમ્બેટ એરક્રાફ્ટ છે. આ એક ફાઇટર જેટ છે, જેમાં બે પાઇલટ બેસી શકે છે. તેને લિફ્ટ એટલે કે લીડ-ઇન ફાઇટર ટ્રેનર કહેવામાં આવે છે. તેજસ એક પ્રકારનું ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ પણ છે, જરૂર પડે ત્યારે ગ્રાઉન્ડ પર પણ હુમલો કરવા સક્ષમ છે. એરફોર્સે HAL પાસેથી 123 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 26 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક-1 એરક્રાફ્ટ છે. આગામી દિવસોમાં, HAL આ એરક્રાફ્ટના વધુ અપગ્રેડેડ વર્ઝન એરફોર્સને સોંપશે, જે 2024 અને 2028 ની વચ્ચે આપવામાં આવશે.