નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચેલા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા પર તો અકળ મૌન ધારણ કર્યું હતું, પરંતુ તેમણે થોડી મિનિટો પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વડા પ્રધાન મોદી પર કોંગ્રેસની ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવાના પ્રયાસોના આરોપ લગાવ્યા હતા. આ પહેલાં તેમણે લોકસભાના પ્રાંગણમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મીટિંગ કરીને મધ્ય પ્રદેશની સ્થિતિની ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધી એ ટ્વીટ કરતાં PMO પર પ્રહાર કર્યા
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને PMOને કહ્યું હતું કે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારોને પાડવામાં વ્યસ્ત છે, એટલે વૈશ્વિક સ્તરે ઓઇલની કિંમતો 35 ટકા ઘટી ગઈ છે. શું તમે એનો લાભ ભારતીય જનતાને આપી શકો છો અને પેટ્રોલની કિંમતો રૂ. 60થી નીચે લાવી શકો છો? એનાથી અર્થતંત્રને વેગ મળશે.
બીજી તરફ મધ્ય પ્રદેશનું રાજકીય નાટક રિસોર્ટ રાજકારણ તરફ વધી રહ્યું છે. કોંગ્રેસના આશરે 20 વિધાનસભ્યો પહેલેથી બેંગલુરુની એક હોટેલમાં છે. અત્યારે ભાજપ પોતાના 107 વિધાનસભ્યોને માનેસર અને કોંગ્રેસ એના 90 વિધાનસભ્યોને જયપુર લઈ જઈ રહી છે. કોંગ્રેસ છોડનારા સિંધિયા ભાજપમાં આજે સામેલ થાય એવી શક્યતા છે.
કોંગ્રેસના 20થી વધુ વિધાનસભ્યોનાં રાજીનામાં પછી કમલનાથ સરકાર ડામાડોળ થઈ છે. જોકે મુખ્ય પ્રધાન કમલનાથ સહિત તમામ સિનિયર કોંગ્રેસી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર સુરક્ષિત છે અને તેઓ વિધાનસભામાં બહુમત સાબિત કરશે.