કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં આ નેતાની મહત્વની ભૂમિકા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના કદ્દાવર નેતા રહેલા માધવરાવ સિંધિંયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડ્યા બાદ હવે જલ્દી જ ઔપચારિક રીતે ભાજપના પલડે બેસશે. સિંધિયા સમર્થક ધારાસભ્યોના સમર્થનથી ભાજપ ફરીથી પ્રદેશની સત્તા પર કબ્જો કરવાની તૈયારી કરી ચૂકી છે.

પરંતુ વાત એ વ્યક્તિની કરવી છે કે જેણે આ તમામ ઘટનાક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ નેતાનું નામ છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર. જમીન સાથે જોડાયેલા નેતા નરેન્દ્ર સિંહ તોમરનો મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં ખૂબ પ્રભાવ છે અને કોંગ્રેસના મોટાભાગના બાગી ધારાસભ્યો આ જ પ્રદેશમાંથી આવે છે કે જેમણે પલડુ બદલ્યા બાદ કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ આખા ઘટનાક્રમમાં તેઓ પહેલાથી જ સક્રિય હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્વાલીયરના મુરારમાં 1957 માં જન્મેલા તોમરે વિદ્યાર્થી નેતા તરીકે પોતાના રાજનૈતિક જીવનની શરુઆત કરી હતી, એટલા માટે સંગઠન પર તેમની મજબૂત પકડ છે. આ વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાની જવાબદારી આમને સોંપવામાં આવી હતી. ગ્વાલિયર સિંધિયા પરિવારનો ગઢ છે, એટલા માટે તેમના ગઢમાં પાર્ટીના ધારાસભ્યોને તોડવાની રણનીતિનો સીધો જ અર્થ હતો કે ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયા માટે પોતાના દ્વાર પહેલાથી ખોલી દીધા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી અને ગ્વાલિયરના રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘના સક્રિય સભ્ય હોવાની સાથે-સાથે ભાજપના સંસ્થાપકોમાં જોડાયેલા હતા. એપણ જણાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટીમાં રાજમાતા વિજયા રાજે સિંધિયાના વિશ્વસનીય રહેલા તોમરના સિંધિયા પરિવાર સાથે નજીકના સંબંધો જોતા પણ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.