નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાને કાબૂમાં રાખવા માટે ભારતે કડક પગલાં લીધા છે અને ગઈ 25 માર્ચથી લોકડાઉન સ્થિતિ લાગુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી અને લોકડાઉનની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વડા પ્રધાને મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે તેઓ એ તકેદારી રાખે કે એમના સંબંધિત રાજ્યોમાં કોઈને કોરોના રોગનું કલંક લાગે નહીં.
મોદીએ રાજ્યોના વડાઓને કહ્યું કે આપણને સહુને કોરોનાની વાસ્તવિક્તાની જાણ થઈ ગઈ હતી એટલે આપણે એનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં હતા. રાજ્યોના સત્તાવાળાઓએ હવે એ શોધી કાઢવું જોઈએ કે આ રોગ નવા વિસ્તારોમાં કઈ રીતે ફેલાય છે, એનું કારણ શું છે, લોકોને કોઈ માનસિક ત્રાસ પડતો હોય તો એનું કારણ પણ શોધવું જોઈએ.
મોદીએ કહ્યું કે, જે લોકોને કોરોના થયો છે એમને એવું લાગવા દેવું ન જોઈએ કે આમાં એમનો કોઈ વાંક છે. એમને ગુનેગાર સમાન ગણવા ન જોઈએ. એવી જ રીતે, કોઈ ચોક્કસ વિસ્તારમાંથી કોરોનાનાં કેસોમાં એકદમ ઉછાળો આવે તો કેન્દ્ર સરકાર પણ જે તે રાજ્યને ગુનેગાર તરીકે ગણશે નહીં.
જોકે આ લડાઈમાં વધુપડતું હળવાશભર્યું વલણ ન રાખવાનું પણ મોદીએ રાજ્ય સરકારોને કહ્યું છે.
22 માર્ચથી વડા પ્રધાને મુખ્ય પ્રધાનો સાથે આ ચોથી વાર વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. 22 માર્ચે પહેલી બેઠક યોજ્યા બાદ 24 માર્ચે મોદીએ 21-દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.
તે પછી 14 એપ્રિલે મોદીએ લોકડાઉનની મુદતને 3 મે સુધી લંબાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
અગાઉની જેમ, આજની બેઠકમાં પણ મોદી એમના મોઢા પર ગમછો પહેરીને હાજર થયા હતા.
લોકડાઉન ઉઠાવી લોઃ અનેક મુખ્ય પ્રધાનોની રજૂઆત
દરમિયાન, આજની બેઠકમાં મોટા ભાગના મુખ્ય પ્રધાનોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે લોકડાઉનને ઉઠાવી લેવું જોઈએ. પરંતુ અમક રાજ્યોએ તે સાથે અસમહતિ દર્શાવી હતી.
મેઘાલયના મુખ્ય પ્રધાને લોકડાઉનની મુદત લંબાવવાની તરફેણ કરી હતી. એમની રજૂઆતને ગોવા, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના મુખ્ય પ્રધાનોએ ટેકો આપ્યો હતો.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે લોકડાઉનથી સકારાત્મક પરિણામો મળ્યા છે. દેશ દોઢ મહિનામાં હજારો લોકોના જીવ બચાવી શક્યો છે.
આજની બેઠકમાં હાજરી આપનાર મુખ્ય પ્રધાનોમાં દિલ્હીના અરવિંદ કેજરીવાલ, કેરળના પી. વિજયન, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, તામિલનાડુના ઈ.કે. પલાનીસ્વામી, મેઘાલયના કોનરાડ સંગમા અને ઉત્તરાખંડના ત્રિવેન્દ્રમ સિંહ રાવતનો સમાવેશ થાય છે.
બેઠકમાં અમિત શાહ, ડો. હર્ષવર્ધન જેવા કેન્દ્રીય પ્રધાનો તેમજ વડા પ્રધાન કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.