નવી દિલ્હીઃ ગઈ 26 નવેમ્બરે એર ઈન્ડિયાનાં એક મહિલા પ્રવાસી પર સહ-પ્રવાસી દ્વારા પેશાબ કરવાના કેસમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એર ઈન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે. નિયામક એજન્સીએ આ ઉપરાંત ફરજ બજાવવામાં નિષ્ફળ જવા બદલ તે ફ્લાઈટના મુખ્ય પાઈલટને ત્રણ મહિના માટે સસ્પેન્ડ પણ કર્યો છે. એટલું જ નહીં, તે બદલ એર ઈન્ડિયાના ડાયરેક્ટર-ઈન-ફ્લાઈટ સર્વિસીસને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએ નિયામકે આ કેસમાં તપાસ કરાવી વિગતવાર અહેવાલ મોકલવાનો એર ઈન્ડિયાના મેનેજમેન્ટને આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ 26 નવેમ્બરે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી છે અને એક મહિલા બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહી હતી. એ વખતે શંકર મિશ્રા નામના સહ-પ્રવાસીએ દારૂ પીધેલી હાલતમાં પેશાબ કર્યો હતો જેને કારણે તે મહિલાનાં કપડાં, સીટ તથા બેગ બધું ભીનું થઈ ગયું હતું. તે મહિલાએ તરત જ કેબિન ક્રૂને જાણ કરી હતી.