જેલમાં દૈનિક કોલિંગ સુવિધા માટે કોર્ટ પહોંચ્યો ઉમર ખાલિદ

નવી દિલ્હીઃ JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દિલ્હી રમખાણોમાં મોટા ષડયંત્રના આરોપી ઉમર ખાલિદે દૈનિક ટેલિફોન કોલની સુવિધા માટે એક અરજી દાખલ કરી છે. કોર્ટે આ મામલે તિહાર જેલ વહીવટી તંત્રને નેટિસ જારી કરી છે. શરજિલ ઇમામ દ્વારા દાખલ આ પ્રકારની એક અરજી પણ કોર્ટમાં પડેલી છે. એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે તિહાર જેલના સુપરિટેન્ડેન્ટને નોટિસ જારી કરીને ઉમર ખાલિદની અરજી પર જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ મામલાની વધુ સુનાવણી 21 જાન્યુઆરી થશે.

ઉમર ખાલિદ સપ્ટેમ્બર, 2022થી જ્યુડિશિયરી કસ્ટડીમાં છે. તેને ગયા વર્ષે તેનાં બહેનનાં લગ્નમાં એક સપ્તાહ માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આ પહેલાં તેની નિયમિત જામીન અરજીને ઓક્ટોબર, 2022માં દિલ્હી હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી હતી. બીજી બાજુ શરજિલ ઇમામે તિહાર જેલમાં કેદીને ફોન કોલિંગની સુવિધાને ફરી શરૂ કરવાની માગ કરતી અરજી કરી હતી. સપ્ટેમ્બરમાં જેલ અધિકારીઓ દ્વારા એક સર્ક્યુલર પછી એ સુવિધા બંધ કરવામાં આવી હતી.

એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે વિવિધ અધિકારીઓ સહિત જેલના વહીવટી અધિકારીઓને બોલાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ નિયમનું પાલન કરી રહ્યા છે. ત્યાર બાદ કોર્ટના આરોપીના આચરણનો રિપોર્ટ પણ માગ્યો હતો. શરજિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં 2018ના નિયમ 629 હેઠળ ફોન કોલિંગની સુવિધા ફરી શરૂ કરવાની માગ કરી હતી, કેમ કે તે ન્યાયિક હિરાસતમાં છે.