મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર આસપાસ યોજાવાની શક્યતા છે. રાજ્યમાં રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. NDA સરકારે મતદારોને રીઝવવા માટે ગરીબ મહિલોને રૂ. 1500 પ્રતિ માહ આપવાની જાહેરાત કરી છે, પણ બીજી બાજુ MVA સરકાર સત્તામાં આવશે તો કોણ બનશે CM? આ સવાલનો જવાબ અત્યાર સુધી MVAના નેતાઓ કે તેમના ઘટક પક્ષો તરફથી નથી મળ્યો. આ એક એવો સવાલ છે, જેને રાજ્યની જનતા જાણવા ઇચ્છે છે.
રાજ્યમાં NCPના વડા શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને MVAનો CM ચહેરો માનવાથી ઇનકાર કરી દીધો છે. પવારના આ નિવેદન પછી રાજકીય ગલિયારામાં કેટલાય પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચા એ પણ છે કે શું MVA ગઠબંધન વેરવિખેર થશે કે શું?
શિવસેના (ઉદ્ધવ જૂથ) એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે ઉદ્વ ઠાકરેને રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ આગાડી (MVA)ના CM પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવવા જોઈએ, જ્યારે NCP પ્રમુખ શરદ પવારે શનિવારે કોઈ પણ વ્યક્તિને CM ચહેરા તરીકે રજૂ કરવાના વિચારને ફગાવી દીધો હતો.
કોલ્હાપુરમાં પત્રકારોએ પવારને સવાલ કર્યો કે શિવસેનાના સાંસદ સંજય રાઉત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ઠાકરેને MVAના CMપદે પ્રોજેક્ટ કરી રહ્યા છે, ત્યારે આ સવાલના જવાબમાં પવારે કહ્યું હતું કે અમારુ ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે. એક વ્યક્તિ અમારા CMપદનો ચહેરો નહીં બની શકે. સામૂહિક નેતૃત્વ અમારી ફોર્મ્યુલા છે.