નવી દિલ્હીઃ ગઈ કાલે અત્રેના સંસદભવનમાં બે અજાણ્યા શખ્સે સુરક્ષા વ્યવસ્થાને ભેદીને કરેલા સ્મોક હુમલાના બનાવમાં દિલ્હી પોલીસે કડક એવા ગેરકાયદે પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) કાયદા (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. ગઈ કાલે લોકસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કલાકની કાર્યવાહી ચાલુ હતી એ વખતે સાગર શર્મા અને મનોરંજન ડી. નામના બે શખ્સ મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદીને લોકસભા ચેંબરમાં ઘૂસી ગયા હતા અને ગેસ ભરેલા બે કેનિસ્ટર (ડબ્બા) ફેંક્યા હતા જેને કારણે ગૃહમાં પીળા રંગનો ધૂમાડો ફેલાઈ ગયો હતો. કેટલાક સાંસદોએ બંને પકડી લીધા હતા.
એ જ વખતે સંસદભવનની બહાર પણ બે જણે કેનિસ્ટર્સમાંથી રંગીન ગેસ છોડ્યો હતો અને તાનાશાહી નહીં ચલેગી નારા લગાવ્યા હતા. પોલીસે આ બનાવના સંદર્ભમાં કુલ છ જણ સામે કેસ નોંધ્યો છે અને પાંચની ધરપકડ કરી છે. એક જણ ફરાર છે.
પોલીસે ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ છ ગુનેગારોના એક ગ્રુપ સામે ક્રિમિનલ ષડયંત્ર, ઘૂસણખોરી, રમખાણો કરાવવાના ઈરાદે ઉશ્કેરણીજનક નારા લગાવવા, જાહેર કાર્યક્રમો વખતે સરકારી કર્મચારીઓને એમની ફરજ બજાવતા રોકવા, સરકારી કર્મચારીઓને એમની ફરજ બજાવતા રોકવા ક્રિમિનલ બળનો ઉપયોગ કરવા કે હુમલો કરવાના ગુના નોંધ્યા છે. આ ઉપરાંત UAPA કાયદાની બે કલમ હેઠળ પણ કેસ નોંધ્યા છે.
પોલીસનું કહેવું છે કે આ નિયોજીત હુમલાનો મુખ્ય કાવતરાખોર કોઈક અલગ છે. ગુનેગારોએ બુધવારના હુમલા પૂર્વે સંસદભવનની રેકી કરી હતી. તેઓ ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત એકબીજાના સંપર્કમાં રહેતા હતા.
પોલીસે મૈસૂરુનિવાસી મનોરંજન ડી. લખનઉ નિવાસી સાગર શર્મા, હરિયાણાના જિંદ શહેરની નિવાસી નીલમ, મહારાષ્ટ્રના લાતૂરના નિવાસી અમોલ શિંદે અને ગુરુગ્રામના રહેવાસી વિક્રમ ઉર્ફે વિક્કી શર્માની ધરપકડ કરી છે. લલિત ઝા નામનો છઠ્ઠો ગુનેગાર ફરાર છે. એને પકડવાના પ્રયાસો ચાલુ છે.