કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યનું ચૂંટણી પંચ રાજ્યમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તહેનાતીને લઈને હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ અને સરકાર દ્વારા રાજ્યના કાનૂની સલાહકારોની સાથે બેઠક કર્યા પછી હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના નામાંકન દરમ્યાન થયેલી અથડામણને જોતાં કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પંચને 48 કલાકની અંદર કેન્દ્રીય દળોની તહેનાતી માટે કેન્દ્રને એક વિનંતી મોકલવાના નિર્દેશ આપ્યા હતા.
મુખ્ત જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમના નેતૃત્વવાળી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે કોર્ટ ચૂંટણીપ્રક્રિયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવા માટે 13 જૂને આદેશ જારી કર્યો હતો. હાઇકોર્ટે રાજ્યના બધા જિલ્લાઓમાં કેન્દ્રીય દળોની તહેનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પંચને 48 કલાકમાં નિર્દેશ પાલન કરવા માટે આદેશમાં કહ્યું હતું.
અરજીકર્તાઓએ શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે કેન્દ્રીય દળોની તહેનાતી કરવાની વિનંતી કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યમાં 2022માં નગર નિગમની ચૂંટણી અને 2021માં કોલકાતા નગર નિગમ ચૂંટણીના સમયે મોટા પાયે હિંસા થઈ હતી. વિરોધ પક્ષોએ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ તેમના ઉમેદવારોને નામાંકન પત્ર લાખલ કરવાથી અટકાવવા માટે હિંસા કરી હતી.
રાજ્યના ગવર્નર સીવી આનંદ બોસ દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બે રાજકીય પક્ષોના ટેકેદારોની વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. બોસે કહ્યું હતું કે રાજકીય હિંસા સહન કરવામાં નહીં આવે.